ડાંગ જિલ્લામા ‘સુશાસન દિવસ’ની ઉજવણી સાથે ‘સુશાસન સપ્તાહ’ નો પ્રારંભ કરાવતા મહાનુભાવો

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

આહવા: તા: ૨૫: ‘ભારત રત્ન’ એવા ભૂતુપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલજીના દેશહિતના સંઘર્ષની ગાથા વર્ણવતા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલે શ્રી અટલજીએ સૌને સાથે રાખીને દેશને સુશાસન આપ્યુ હતુ તેમ જણાવ્યુ હતુ.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા ‘સુશાસન સપ્તાહ’ ઉદ્દઘાટન કાર્યક્રમમા અધ્યક્ષ સ્થાનેથી બોલતા સાંસદશ્રીએ ‘પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના’ જેવી અનેક હિતલક્ષી યોજનાઓની દેશને અટલજીએ ભેટ આપી છે તેમ જણાવ્યુ હતુ.
કવિહૃદય અને સંવેદનશીલ ગુણોના ધણી એવા અટલજીના બતાવેલા માર્ગે ચાલવાની સૌને અપીલ કરતા, સાંસદશ્રીએ સૌને ‘સુશાસન સપ્તાહ’ ના કાર્યક્રમમા સહયોગી થવાની હિમાયત કરી હતી.
ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અને તત્કાલિન સફળ સુકાની શ્રી અટલજીના સુશાસનની જાણકારી આપતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ‘સુશાસન’ ની શરૂઆત કરનારા દેશના સફળ સુકાનીના કાર્યો, અને જીવનમાથી પ્રેરણા લઈને સૌને સમૃદ્ધ ભારતનુ ભાવિ ઘડવાની અપીલ કરી હતી.

‘ભારત રત્ન’ એવા ભુતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીના જીવન કાળની ઝાંખી કરાવતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે સંવેદનશીલ હૃદયના અટલજીએ, દેશહિતના દ્રઢ અને મક્કમ નિર્ણયો લીધા છે તેમ જણાવ્યુ હતુ. સુશાસનની આદર્શ પરિભાષા દેશને અટલજીએ આપી છે, તેમ જણાવતા ધારાસભ્યશ્રીએ અટલજીના યોગદાનની ગાથા વર્ણવી હતી.
ઉલ્લેખનિય છે કે, ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.શ્રી અટલબિહારી વાજપેયીજીના જન્મદિને દેશભરમા ‘ગુડ ગવર્નન્સ ડે’ ઉજવવામા આવે છે.
આ વખતે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ‘સુશાસન દિવસ’ની ઉજવણીની સાથે ‘સુશાસન સપ્તાહ’નુ આયોજન કરીને સરકારી વહીવટી તંત્રમા આદર્શ કાર્યપ્રણાલી વિકસાવવા સાથે રાજ્યમા આજે નવા જનસંપર્ક એકમ સ્વાગત કક્ષનો શુભારંભ કરવા સાથે, esarkar પોર્ટલનો શુભારંભ, સોગંદનામા સંબંધી નવી નીતિની જાહેરાત, અને બેસ્ટ પ્રેક્ટિસીસ કંપેડિયમનુ વિમોચન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે કરાયુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનુ છેક છેવાડે આવેલા ડાંગના પ્રજાજનોએ પણ જીવંત પ્રસારણ નિહાળીને તેમા સહભાગી થયા હતા.
દરમિયાન તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ દરમિયાન રાજ્ય સરકારના વિવિધ વિભાગોના શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરીને છેવાડાના લોકો સુધી સુશાસન થકી વિકાસના લાભો પહોંચાડવાનો આયામ હાથ ધરવામા આવી રહ્યો છે.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ‘સુશાસન સપ્તાહ’ ના શુભારંભ કાર્યક્રમમા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નીલમ પટેલ, આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે, સામાજિક કાર્યકરો, પદાધિકારીઓ, કર્મઠ કર્મયોગીઓ સહિત ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાબ્દિક સ્વાગત કરતા પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીતે ‘સુશાસન સપ્તાહ’ ઉજવણીના કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી હતી. અંતે આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારાએ આરોપી હતી. ઉદ્દબોધક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલે સેવા આપી હતી.

Share this Article
Leave a comment