(વિશ્વ મહેશ પટેલ)
આજ રોજ તારીખ 27 જુન 2024ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-174, ફુલપાડા, સુરતમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાલવાડીના -17, બાલવાટીકાના – 24 અને
ધોરણ-1 ના 11 બાળકોએ શાળાકીય શિક્ષણના શ્રીગણેશ કર્યા હતા. આ બાળકોના શાળાકીય શિક્ષણના પ્રવેશ માટે સુરત-ઉત્તરના ધારાસભ્યશ્રી કાન્તિભાઈ બલર, ફુલપાડા વોર્ડના કોર્પોરેટરશ્રી નિરાલીબેન પટેલ, કોર્પોરેટરશ્રી મનિષાબેન કુકડીયા, ફુલપાડાના માજી કોર્પોરેટરશ્રી નવીનભાઇ વાઘેલા, ફુલપાડાના સામાજિક અને રાજકીય કાર્યકર્તા શ્રી શીતલબેન પટેલ, શ્રી કલ્યાણીબેન રાવલ, અમુલ્ય ગુજરાતના તંત્રીશ્રી મહેશભાઈ પટેલ,
શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને પ્રવેશપાત્ર બાળકોના વાલીશ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. શાળાના આચાર્યશ્રી યશવંતભાઇ પટેલે મહેમાનોને શાબ્દિક રીતે આવકારી તેમનું સ્વાગત કર્યું હતું.ધારાસભ્યશ્રી કાન્તિભાઇ બલરે સુંદર વક્તવ્યો રજુ કરનાર બે વિદ્યાર્થીનીઓને 500- 500 રુપિયાનો રોકડ પુરસ્કાર આપ્યો હતો. જેમાંથી એક વિદ્યાર્થીનીના વિધવા વાલીને રાશન લેવા માટે રોકડા 2500 રુપિયા આપીને આર્થિક સહાય કરી હતી. શાળાકમિટીના સભ્યશ્રી ચંપાબેન રાબડીયાએ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના વિશે વિગતે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા થયું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.