આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતા ને હુંડી સ્વરૂપે આવેદન અપાયુ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના નામે ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા વિનંતી.

(સાજીદ સૈયદ : નર્મદા)

સાગબારા તાલુકાના કરાર આધારિત શિક્ષકો દેવમોગરા ખાતે આવેલ સમગ્ર આદિવાસી સમાજની કુળદેવી એવા યાહા મોગી માતાજીના ચરણોમાં પહોંચી જઈને માતાજીને હૂંડી સ્વરૂપે એક આવેદનપત્ર આપી કરાર આધારિત શિક્ષકોની ભરતી સરકાર રદ કરે અને કાયમી શિક્ષકોનો ભરતી કરે એવી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

૧૧ મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતીના મુદ્દે ઘણા દિવસોથી રાજયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે.વિવિધ ગામો તથા શહેરોમાં ભાવિ શિક્ષકોનું વિવિધ રીતે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સાગબારા તાલુકામાં પણ સરકાર દ્વારા થઈ રહેલા અન્યાયના ભોગ બનેલા ભાવિ શિક્ષક ઉમેદવારો છે જેઓ સમગ્ર આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના પવિત્ર સ્થાનક એવા દેવમોગરા મુકામે માતાજીને હૂંડી સ્વરૂપે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભાવિ શિક્ષકોની પડતર માંગણીઓ અને સરકાર દ્વારા શિક્ષણ નીતિ ના નામે કરાઈ રહેલા અન્યાયને “હે ! માતાજી તમે દૂર કરવામાં મદદરૂપ થાવ અને આ જ્ઞાન સહાયક નામની શોષણકારી યોજનામાંથી અમને ઉગારી લો” તેવી અરજ ભાવિ શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા ટેટ/ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા લઈને પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપવાના બદલે ૧૧ મહિનાના કરાર પર નોકરી આપવામાં આવી રહી છે.સરકારની આ નીતિ શિક્ષક તથા વિદ્યાર્થીઓ માટે અન્યાય રૂપ હોવાનું ભાવિ શિક્ષકોએ જણાવ્યું હતું. જે નીતિ થી શિક્ષકનું જ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નહીં હોય તો તે બાળકોનું ભવિષ્ય કઈ રીતના બનાવશે જેવી આશંકા સેવાઈ રહી છે.તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર પહેલેથી જ નબળું છે અને હવે આ યોજનાથી તો હજી શિક્ષણનું સ્તર તળિયે બેસી જવાની સંભાવના રહેલી છે. આદિવાસી જેવા પછાત વિસ્તારોમાંથી આવતા ભાવિ શિક્ષકો કે જેમણે સખત મેહનત કરી ને આ પરીક્ષા પાસ કરી છે તેઓ પણ આ યોજના નો સખત વિરોધ કરી રહ્યા છે અને તેમણે તેની વાત સરકાર સુધી પહોંચાડવા બહુ પ્રયત્ન કર્યા હોવા છતાં સરકાર તે વાત સાંભળવા તૈયાર નથી જેથી તેઓ પોતાની કુળદેવી યાહામોગી માતા કે જે તેમની હર હંમેશ દરેક દુઃખ નું નિરાકરણ કરી તેમનું રક્ષણ કરે છે તેમના શરણે આવી પહોંચ્યા હતા અને પોતાની વ્યથા વ્યક્ત કરીને જ્ઞાન સહાયક રદ થાય તે માટે હૂંડી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share this Article
Leave a comment