ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ હાથ ધરાતા 42 લાખ જેટલી વીજ ચોરી ઝડપાઈ
સૈયદ સાજીદ : નર્મદા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સાથે રાખી DGVCL ની વિજિલન્સની 45 જેટલી ટીમોએ તવાઈ બોલાવી હતી. જેમાં રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારો સહિત ગોપાલપૂરા, સુંદરપુરા વાવડી, રાયપુરામાં દરોડા પાડી 42 લાખ જેટલી વીજ ચોરી ઝડપી પાડી હતી. વિજિલન્સ ટીમે મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા માં આજરોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમને રાજપીપળા શહેરના અલગ અલગ વિસ્તારો સહિત ગોપાલપુરા સુંદરપુરા રાયપુરા વાવડી સહિતના વિસ્તારોમાં દરોડો પાડી 2100 જેટલા વીજ કનેકશનો ચેક કર્યા હતા જેમાં 30 જેટલી સીધી ચોરીના, જયારે 10 જેટલા વિવિધ પ્રકાર ગેરરીતિની વીજ ચોરીના કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ સાથેજ વીજ ચોરી કરતા લોકોને 42 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો અને મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. DGVCL ની વિજિલન્સ ટીમ દ્વારા એક ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કાફલેના ચુસ્ત બંદોબસ્ત સાથે વિજિલન્સ ટીમે દરોડા પાડતા વીજ ચોરી કરતા તત્વો ફફડાટ ફેલાઇ ગયો હતો.