સુબીર તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાના કામદારો પગારથી વંચિત!

adminpoladgujarat
adminpoladgujarat
4 Min Read

તમામ એજન્સીઓ વર્કઓર્ડર લેતા સમયે લેખિતમાં બાહેધરી આપી હતી કે મહીનાની એકથી પાંચ તારીખ સુધીમાં કામદારોનો પગાર સમયસર ચુકવણી કરી આપીશું

ઈરફાન કન્સ્ટ્રક્શન અને પ્રિયંકા કન્સ્ટ્રક્શનનાં હાથ નીચે કામ કરતાં કામદારોને સાત માસથી પગાર ચૂકવાયો નથી

(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે)
સુબીર તાલુકાનાં સબડિવિઝન કચેરીનાં અંડરમાં ચાલતી પાણી પુરવઠા જૂથ યોજનાની સ્કીમ ઉપર ટેન્ડર ભરી જે એજન્સીઓ કામ કરે છે તે એજન્સીના હાથ નીચે લાઇન ઉપર કામ કરનારા કામદારોને સાત માસથી પગાર ચૂકવવામાં ન આવતા કામદારો સુબીર ખાતે ગત્ રોજ ભેગા મળીને ડાંગ જિલ્લા કલેકટરને રૂબરૂ ફરિયાદ કરવાની ચીમકી ઉચારી હતી.

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલા સબ ડિવિઝન કચેરીનાં અંડરમાં કુલ નવ સરકારી પાણી પુરવઠા જૂથ યોજનાઓ ચાલી રહી છે જેમાં ગીરમાળ, પોળસમાળ, મહાલ , પીપલદહાડ, જારસોળ, સુબીર, લવચાલી, ટીમરથવા, અને જામન્યામાળ જૂથ યોજનાનો સમાવેશ થાય છે. જે જૂથ યોજનાઓ એજન્સીઓ ચલાવી રહી છે અને એજન્સીના હાથ નીચે કામદારો (ઓપરેટર ) જે તે વિસ્તારની લાઇન ઉપર કામ કરે છે
ત્યારે એજન્સીઓનો ટેન્ડર લાગ્યા બાદ કચેરીએથી વર્ક ઓર્ડર લેતા સમયે તમામ એજન્સીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે જે તે એજન્સીના હાથ નીચે કામ કરનારા મજૂરોને કોઇપણ કારણે સમયસર મહિનાની એકથી પાંચ તારિખ સુધીમાં કામદારોનો પગાર ચુકવી આપવાની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે તેવી બાંહેધરી એજન્સીઓ પાસેથી લેવામાં આવી હતી.
ત્યારે સુબીર તાલુકામાં કુલ નવ પાણી પુરવઠા જૂથ યોજનાની સ્કીમ ઉપર કામ કરતી અલગ અલગ એજન્સીઓમાંથી ૧ . જામન્યામાળ અને ટીમરથવા જૂથ યોજના ઈરફાન કન્સ્ટ્રક્શન નામની એજન્સી ચલાવે છે અને તેના હાથ નીચે કુલ દસ કામદારો કામ કરે છે. તેઓનો પાંચ માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી તેવીજ રીતે ૨. લવચાલી જૂથ યોજના પ્રિયંકા કન્સ્ટ્રક્શન નામની એજન્સી ચલાવે છે તેમાં કુલ પાંચ કામદારો કામ કરે છે તેઓને સાત માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. અને કામદારનો એક દિવસનો મિનિમમ વેજ ૩૭૪. રૂપિયા તો એક માસનો પગાર ૧૧,૨૨૦.રૂપિયા થાય છે તેમાંથી કામદારોને પૂરતો પગાર આપવામા નથી આવતો અને કોરા પગાર વાવચર ઉપર એજન્સીઓ દ્વારા મજૂરોને દાબદબાણ કરી અને સહી કરાવી લઈ જાય છે અને એજન્સીઓ દ્વારા બે દિવસનાં અંદર બાકી રહેલાં કામદારોનો પુરેપુરો પગાર ચૂકવવામાં ન આવે તો તમામ કામદારો ડાંગ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી પોતાની ફરિયાદ જણાવશે તેવી ચીમકી કામદારોએ ઉચ્ચારી હતી.
___________________________
આ બાબતે બંને એજન્સીના માલિકોને પૂછતા તેઓ દ્વારા જવાબ મળ્યો હતો કે કચેરીએથી વહેલી તકે અમને બીલ આપવામાં આવતો નથી જેથી અમે મજૂરોને સમયસર પગારની ચુકવણી કરી શકતા નથી .—-ઈરફાન કન્સ્ટ્રક્શન અને પ્રિયંકા કન્સ્ટ્રક્શન

આજ બાબતે સુબીર સબ ડિવિઝનનાં
નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધી માહીતી માંગતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ એજન્સીઓને બીલ ચુકવી દેવાયો છે અને રહી વાત કામદારોનાં બીલની તો બીલ ચૂકવાય કે ન ચૂકવાય તો પણ એજન્સીની ફરજ બને છે કે કામદારોને સમયસર મહિનાની એકથી પાંચ તારીખ સુધીમાં પગાર ચુકવી આપવાની તેવી શરત છે. —- ના.કાર્યપાલક સુબીર ડિવિઝન

ડાંગ જિલ્લા કાર્યપાલકને આ સમગ્ર બાબતની જાણ થતાં તેઓ દ્વારા ખાતરી આપવામા આવી કે જે કામદારોનો પગાર ચૂકવવામાં આવ્યો નથી તે તમામ કામદારોને બે દિવસનાં અંદર પગાર ચુકવી આપે તેવી ફરજ પાડુ છું અને આ તમામ વિષયે ગંભીરતાપૂર્વક તપાસ કરાવીશ અને ફરજ પડશે તો તેવી એજન્સીઓનું તાત્કાલીક ધોરણે ટેન્ડર રદ કરવામાં આવશે ——- કાર્યપાલક ઇજનેર આહવા – ડાંગ

Share this Article
Leave a comment