(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: આહવાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે NSS વિભાગના સહયોગથી બેંક ઓફ બરોડા, અને જિલ્લા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના એલ.ડી.એમ. શ્રી સજલ મેડા દ્વારા બેંક ઓફ બરોડાની વિવિધ યોજનાઓ વિશે સમજુતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. તો શ્રી રતનભાઈ પવાર દ્વારા વિવિધ આર્થિક યોજનાઓ વિશે વિગતવાર સમજૂતી પુરી પડાઈ હતી.
આ ઉપરાંત ડાંગ જિલ્લા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના ફેકલ્ટી શ્રીમતી રંજનબેન દળવી દ્વારા, ડાંગ જિલ્લાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં વિના મુલ્યે આપવામાં આવતી વિવિધ તાલીમની માહિતી આપવા સાથે, વિદ્યાર્થીઓ આ તાલીમથી પાર્ટ ટાઈમ કામ કરી પોતાનો ખર્ચ ઉઠાવી શકે છે તેમ જણાવાયુ હતું. આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડે દ્વારા પણ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ અને તાલીમ અંગે માર્ગદર્શન પુરું પાડી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમનો ૨૨૩ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.જયેશ ગાવિત દ્વારા કરાયું હતું. આભારવિધિ પ્રોગ્રામ ઓફિસરશ્રી પ્રા.ઉમેશ હડસે આટોપી હતી. રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.