આહવા : તા : ૨૪ : તા.૨૫ થી ૩૧મી ડિસેમ્બર દરમિયાન રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ‘સુશાસન સપ્તાહ’નુ આયોજન કરવા સાથે, જુદા જુદા વિભાગોના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન કરાશે તેમ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ ‘સુશાસન સપ્તાહ’ના પ્રારંભે એટ્લે કે તા.૨૫/૧૨/૨૦૨૧ ના રોજ આહવાના ડાંગ દરબાર હૉલ ખાતે બપોરે ૩:૩૦ વાગ્યે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે તેમ જણાવતા, આ કાર્યક્રમમા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, અને ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે તેમ જણાવ્યુ હતુ.
‘સુશાસન સપ્તાહ’ના બીજા દિવસે એટ્લે કે તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમો ડાંગ જિલ્લા સિવાયના રાજયના અન્ય શહેરી વિસ્તારોમા યોજાશે તેમ જણાવી, ત્રીજા દિવસે એટ્લે કે તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના કાર્યક્રમો, ચોથા દિવસે એટ્લે કે તા.૨૮/૧૨/૨૦૨૧ ના રોજ કૃષિ-પશુપાલન-અને ગ્રામ વિકાસ વિભાગના કાર્યક્રમો, પાંચમા દિવસે એટ્લે કે તા.૨૯/૧૨/૨૦૨૧ ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સહિત આદિજાતિ વિકાસ વિભાગના કાર્યક્રમો, છ્ટ્ઠા દિવસે એટ્લે કે તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ શ્રમ-રોજગાર અને કૌશલ્ય વિભાગના કાર્યક્રમો, અને સપ્તાહ ઉજવણીના અંતિમ દિવસે એટ્લે કે તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કાર્યક્રમોનુ આયોજન કરશે તેમ જણાવ્યુ હતુ.
આ તમામ કાર્યક્રમોના સુચારુ આયોજન સાથે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનુ આયોજન ઘડી કાઢવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, કાર્યક્રમોમા ઉપસ્થિત રહેનારા રાજ્ય કક્ષાના મહાનુભાવો સહિત સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિ, વિકાસ કામોના લોકાર્પણ, વ્યક્તિગત અને સામુદાયિક યોજનાઓના લાભાર્થીઓની પસંદગી સહિત તમામ આનુશાંગિક કામગીરી બાબતે અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
બેઠકમા નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર-વ-પ્રયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામિત, મદદનીશ વન સંરક્ષક શ્રી રોહિત ચૌધરી સહિત જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. જેમને નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિતે સપ્તાહ ઉજવણી અંગેની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતો સાથે સમજ આપી હતી.
—