આહવા: તા: ૨૬: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, અને ડાંગ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ડાંગ દરબાર હોલ ખાતે રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) તથા નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લાના યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો વિતરણ કરતા મંત્રીશ્રીએ, યુવાઓને આહવાન કરતા જણાવ્યુ હતુ કે, યુવાનો પોતાનો મજબૂત સંકલ્પ, દ્રઢ નિર્ણય કરતા શીખે. તેમજ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે તે જરૂરી છે. પોતાના ધ્યેયને વરેલા રહેવાથી ધારેલ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે.
સરકારની તાલીમ સંસ્થાઓ રોજગારી પુરી પાડવામા સક્ષમ નીવડી રહી છે. આજે બહેનો પણ ઔધોગિક તાલીમ મેળવીને પગભર થઈ રહી છે. દેશની ડબલ એન્જીન સરકાર દ્વારા યુવાઓ રોજગાર મેળવતા થાય તે માટે જુદી જુદી યોજનાઓ, અને તાલીમ શિબિરો યોજવામા આવી રહી છે.
ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી લોકો રોજગારી તરફ આગળ વધ્યા છે તેમ પણ મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીએ વધુમા જણાવ્યુ હતુ.
ઔધોગિક તાલીમ મેળવીને યુવાઓ રોજગારી મેળવતા થયા છે, તેમ જણાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે પોતાના પ્રાસંગિક વક્તવ્યમા રોજગારલક્ષી કાર્યક્રમોની વિગતો આપી હતી.
ડાંગ જિલ્લાના કુલ ૪૧૭ રોજગાર અને એપ્રેન્ટિનશિપના કુલ ૧૦ લાભાર્થીઓને નિમણુંક પત્ર વિતરણ કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમમા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ કમળાબેન રાઉત, તાલુકા સદસ્ય દીપકભાઈ પીપળે, આહવા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય શ્રી ઉત્તમભાઈ ગાંગુર્ડે, આહવા આઈ. ટી. આઈ આચાર્ય શ્રી પી. આર. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્ય
કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે, રાજયની રોજગાર કચેરીઓ દ્વારાએક લાખ યુવાનોને રોજગારી આપવાના લક્ષ્યાંક સાથે, છેલ્લા પાંચ મહિનામા ૯૩૦ ભરતી મેળાઓનુ આયોજન કરાયુ હતુ. જેમા હાજર રહેલા ૩૩૬૭ નોકરીદાતાઓ દ્વારા, વિવિધ જગ્યાઓ માટે મોટી સંખ્યામા ઉમેદવારોની પસંદગી થવા પામી છે. આ ભરતી મેળાઓમા થયેલ પસંદગી સહિત રાજયની રોજગાર કચેરીઓ દ્વારા ૧ લાખ ૨૯ હજાર ૩૬ ઉમેદવારોને રોજગારી મળવા પામી છે.
આ ઉપરાંત ૨૦ હજાર ૨૪૧ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી થવા પામી છે. આ પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવાના સમગ્ર રાજયમા, ૮ મહાનગરપાલિકા વિસ્તાર, અને ૩૩ જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાયા છે. જેમા રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો/એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ કરવામા આવી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામા પણ ૧૯ ભરતી મેળાઓ યોજીને, ૪૧૭ ઉમેદવારોની પસંદગી થવા પામી છે. સાથે ૧૦ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી થઈ છે. જે પૈકી આહવાના આ કાર્યક્રમમા પ્રતિકાત્મકરૂપે રોજગાર/એપ્રેન્ટીસ નિમણૂંકપત્રોના વિતરણ કરવામા આવ્યા છે.
–
રોજગારી બાબતે રાજ્યની સમગ્રતયા વિગતો જોઈએ તો, રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી આપવા બાબતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામા આવી છે. છેલ્લા પાંચ વર્ષમા એટલે કે વર્ષ-૨૦૧૭/૧૮ થી ૨૦૨૧/૨૨ દરમ્યાન ગુજરાતમા ૧૫ લાખ ૭૫ હજાર ૬૮ યુવાનોને રોજગારી આપવામા આવી છે.
ડાંગ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમા, ૧૪૦ ભરતીમેળાઓના આયોજન થકી ૭૨૮૩ યુવાનોને રોજગારી આપવામા આવી છે.
રોજગાર સેતુ પ્રોજેકટ : રાજ્યના યુવાનોને કોલ સેન્ટરના માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી કે સરકારી યોજનાની માહિતી, ટેલિફોનીક માધ્યમથી મળી શકે તે માટે, દેશમા સૌપ્રથમ રોજગાર સેતુ પ્રોજેકટ અમલમા મુકયો છે. જેનો ડાંગ જિલ્લામા આજ દિન સુધીમા ૭૩ થી વધુ યુવાનોએ લાભ લીધો છે.
અનુબંધમ વેબપોર્ટલ તથા મોબાઇલ એપ્લિકેશન : ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનુ માનવબળ, ઓનલાઈન વ્યવસ્થાથી પુરા પાડવાના શુભ આશયથી અનુબંધમ વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવવામા આવી છે. આ વેબપોર્ટલ થકી રોજગારવાંચ્છુ ઉમેદવારો ઓનલાઈન નામ નોંધણી કરી શકે છે. ઉપલબ્ધ રોજગારીની તકો શોધી શકે છે. ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવી શકે છે. શૈક્ષણિક લાયકાત તથા સ્કીલ પ્રમાણે નોકરી શોધી શકે છે. તેમજ ઓનલાઇન એકનોલેજમેન્ટ લેટર મેળવી શકે છે.
નોકરીદાતાઓ પણ તેમની સંસ્થાનીઓનલાઈન નોંધણી કરી, તેમની સંસ્થામા રહેલી ખાલી જગ્યાની નોંધણી કરી જરૂરી લાયકાત મુજબના યુવાનોને શોધી શકે છે, અને યુવાનોનુ ઇન્ટવ્યુ ગોઠવી રોજગારી માટે પસંદગી કરી શકે છે. અનુબંધ વેબપોર્ટલમા ડાંગ જિલ્લાના ૩૫૯૨ ઉમેદવારો તથા ૧૪૧ નોકરીદાતા આજની તારીખે નોંધાયેલા છે.
રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામા ગુજરાત સમગ્ર દેશમા પ્રથમ : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ઓગસ્ટ, ૨૦૨૨ મા પ્રસિદ્ધ થયેલા એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦૨૧ મુજબ વર્ષ ૨૦૨૦મા, રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમા ૩ લાખ અને ૮ હજાર યુવાનોને રોજગારી આપવામા આવી હતી, જે પૈકી ગુજરાત રાજ્યે, ૨ લાખ ૩૨ હજાર યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમા પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.
રાજ્યનો બેરોજગારીનો દર સૌથી નીચો :
Ministry of statistics and programme implementation (MOSPI), ભારત સરકાર દ્વારા થતા Periodic Labour Force Survey મા બેરોજગારીના દર અંગેની ગણના થાય છે. જેનો વાર્ષિક રિપોર્ટ જુલાઈ, ૨૦૨૧ મા પ્રકાશિત થયો છે. આ સર્વેનો સમયગાળો જુલાઈ, ૨૦૧૯ થી જુન, ૨૦૨૦ છે. જેમા અલગ અલગ વય મર્યાદા માટે સર્વે હાથ ધરવામા આવે છે. જેમા ૧૫ થી ૨૯ વય મર્યાદામા થયેલ સર્વે અનુસાર, ભારતનો બેરોજગારીનો દર ૧૫ ટકા છે. જયારે ગુજરાતમા આ દર માત્ર ૫.૮ ટકા જ છે. જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે. ૧૫-૫૯ વયમર્યાદામા થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૫.૨ ટકા છે, જયારે ગુજરાતમા માત્ર ૨.૨ ટકા જ છે. જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે. ૧૫ કે તેથી વધુ વય માટે થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે, જયારે ગુજરાતમા માત્ર ૨ ટકા જ છે. જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે. તમામ વય માટે થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે, જયારે ગુજરાતમા માત્ર ૨ ટકા જ છે. જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.