ડેડીયાપાડા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા આવતા યુવરાજ સિંહ જાડેજાને ડિટેન કરવામાં આવ્યા
જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ડેડીયાપાડા ખાતે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો
ચૈતર વસાવાને ઝડપી પાડવા પોલીસની કવાયત છતાં પોલીસ પકડથી દુર
(સાજીદ સૈયદ , નર્મદા)
આમ આદમી પાર્ટીએ ગઈ કાલે જ એક મેસેજ દ્વારા પાર્ટી અને લોકોને જાણ કરી હતી કે આમ આદમી પાર્ટીની ધરણાં અને રેલી કાઢી આવેદનપત્ર કાર્યક્રમને પ્રાંત અધિકારી દ્વારા પરવાનગી આપવામાં ન આવી અને જેથી કોઈએ પણ ડેડીયાપાડા બીજો કોલ ન મળે ત્યાં સુધી ન આવવાની અપીલ કરી હતી જેથી મોટાભાગના નેતાઓ ડેડીયાપાડા આવવાનું ટાળ્યું હતું. પરંતુ પોલીસે કોઈપણ ભોગે ડેડીયાપાડામાં કોઈનો પ્રવેશ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે હાલમાં જંગલ જમીન ખેડવા મુદ્દે થયેલી માથાકુટ અને ફાયરિંગ ની ઘટના બાદ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ અન્યો સામે ગુનો દાખલ કરી ત્રણની અટક કરી હતી જેમાં ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને હજુ પણ ચૈતર વસાવા પોલીસ પકડથી દુર હોય પોલી નાં હાથે લાગ્યા નથી અને ભૂગર્ભમાં જ છે, ત્યારે તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમથી મેસેજ મૂકી ચૈતરભાઇને ફસાવવા કાવતરું કરાયું છે જેવા ઘણા મેસેજ મૂકવામાં આવ્યા હતા, ત્યાર બાદ રવિવારે એક મેસેજ ફરતો કરાયો જેમાં સોમવારે ડેડીયાપાડા ખાતે અંબાજી થી ઉમરગામ નાં આદિવાસી નેતાઓ અને સમર્થકો એ ભેગા થવાનું જણાવ્યું હતું જેના જવાબમાં ડેડીયાપાડા પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સરવૈયા સહિતનાઓ એ જાહેરનામું હોય કોઇએ ભેગા નહિ થવું તેવા વિડિયો મેસેજ ફરતા કર્યા અને આમ આદમી પાર્ટીનાં જિલ્લા પ્રમુખે નિરંજન વસાવાએ પણ રવિવારે રાત્રે એક વીડિયો મેસેજ મૂક્યો કે જાહેરનામું લાગુ હોવાથી હાલમાં ડેડીયાપાડામાં ભેગા થવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
જોકે આજે સોમવારે સવારથી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ડેડીયાપાડા ખાતે ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત થતા ડેડીયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાયું જોવા મળ્યું હતું. પોલીસ વડાએ ડેડીયાપાડા શહેર ખાતે પેટ્રોલીંગ હાથ ધરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આજે સોમવારે ચૈતર વસાવાના સમર્થનમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ડેડીયાપાડા આવવાના હતા પરંતુ ડેડીયાપાડા પહોંચે તે પહેલાજ તેમને બેડાકંપની ખાતે પોલીસે ડીટેન કરી લેતા ચૈતર વસાવાનાં કોઈજ સમર્થકો ડેડીયાપાડા ખાતે આવવામાં સફળ થયા ન હતા.
ડેડીયાપાડા ખાતે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી નેતાઓ અને આગેવાનો એકત્ર થવાના હતા જેને લઈને પોલીસે ભરૂચ જિલ્લાના નેત્રંગ ના બેડાકંપની પાસે,મોવી ડેડીયાપાડા માર્ગે,ડેડીયાપાડા ની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ ત્રણ રસ્તા પાસે, સાગબારા ડેડીયાપાડા રસ્તે,ડેડીયાપાડા મોઝદા માર્ગ,ચીકડા માર્ગે સહિત ડેડીયાપાડા શહેર ખાતે પ્રવેશવાના દરેક રસ્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.દેડિયાપાડા તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ડેડીયાપાડાના બજાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે એ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ દિવાળીનો સમય નજીક છે ત્યારે લોકો ખરીદી માટે બહાર આવી રહ્યા છે અને તેમનો અને વેપારીઓ માટે આ સમય ખૂબ જ મહત્વનો હોય છે જેથી સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી હાલ 144 ની કલમ લગાવી છે જેથી લોકોને અપીલ કરી હતી કે હંમેશા કાયદાનું પાલન કરો અને કાયદો કાયદાનું કામ કરશે જેથી દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી થાય અને આજે અમે ખુદ ડેડીયાપાડા ખાતે ફરજ પર હાજર છીએ અમારી સાથે અમારી ટીમ પણ છે જેથી કોઈપણ જાતનો અનિચ્છની બનાવ ન બને તે માટે પોલીસ સઘન કામગીરી કરી રહી છે .