આહવા : તા: ૧૮: રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે એટલે કે તા.૧૯મી ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમા કુલ ૫૧,૮૪૭ પુરુષ, અને ૫૧,૩૮૮ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૦૩,૨૩૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા કુલ ૪૧ ગ્રામ પંચાયતો પૈકી આ અગાઉ જ આહવા તાલુકાની ઘોઘલી, અને વઘઈ તાલુકાની ચીંચોંડ ગ્રામ પંચાયત આખેઆખી બિનહરીફ જાહેર થઇ ચુકી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે જિલ્લાના કુલ પાંચ સરપંચો, અને ૪૪ સભ્યો પણ બિનહરીફ થયા છે.
આમ, આજે અહી આહવા તાલુકાની ૧૩ પંચાયતોમા સરપંચ પદ સાથે, વઘઈ તાલુકામા ૧૩, અને સુબીર તાલુકામા ૧૦ મળી કુલ ૩૬ પંચાયતોમા સરપંચ પદ માટે, અને આહવા તાલુકામા ૧૧૭ સભ્યો, વઘઈ તાલુકામા ૧૨૪ અને સુબીર તાલુકામા ૮૫ મળી કુલ ૩૨૬ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે.
ડાંગ જિલ્લાની સમગ્ર ચૂંટણી પારદર્શી અને ન્યાયી તથા નિસ્પક્ષ વાતાવરણમા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર ચૂંટણી તંત્રએ એકજુથ થઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
ડાંગ જિલ્લામા આહવા તાલુકામા ૬૧, વઘઈમા ૬૨ અને સુબીરમા ૪૮ મળી કુલ ૧૭૧ મતદાન મથકો ઉપર, અંદાજિત ૯૦૦ જેટલા ચુનંદા કર્મચારીઓને રવાના કરી દેવામા આવ્યા છે. સુચારુ વ્યવસ્થા તંત્ર જાળવવા માટે આહવાની સરકારી કોલેજ ખાતે ડીસ્પેચ અને રીસીવિંગ સેન્ટર તૈયાર કરાયા છે. જ્યા ચુનંદા અને તાલીમબદ્ધ કર્મચારી/અધિકારીઓને કામગીરી માટે સજ્જ કરાયા છે. આ વેળાની ચૂંટણીમા આહવા તાલુકામા ૧૪૬, વઘઈમા ૧૪૦ અને સુબીર તાલુકામા ૯૪ મળી કુલ ૩૮૦ મતપેટીઓનો ઉપયોગ થનાર છે તેમ પ્રાંત અધિકારી અને ચૂંટણી આયોગના અધિકારી સુશ્રી કાજલ ગામીત દ્વારા જણાવવામા આવ્યુ છે.
કાયદો વ્યવસ્થાના નોડલ ઓફિસર શ્રી જે.આઈ.વસાવા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર જિલ્લામા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાની નિગરાનીમા ૩ ડી.વાય.એસ.પી., ૧ પોલીસ ઇન્સ્પેકટર, ૧૭ સબ ઇન્સ્પેકટર સહીત, ૨૨ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અને ૩૯૮ ચૂનંદા પોલીસ જવાનો, તથા ૩૮૬ ગ્રામ/ગૃહ રક્ષક દળના યુવાનો, અને ૫૬ સી.આર.પી. જવાનો મળી કુલ ૮૬૨ પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે ફાળવવામા આવ્યા છે.
આમ, ડાંગ જિલ્લામા નિસ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થાઓ હાથ ધરવામા આવી છે.