૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિસ્તારમા આદર્શ ચૂંટણી આચાર સંહિતા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

  આહવા: તા: ૩ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ, ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયુ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમા ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળમા આદર્શ આચાર સંહિતના અમલ માટે જિલ્લા વહીવટી તંત્રે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ ચૂંટણીની જાહેરાત સાથે જ અમલી બનતી આચાર સંહિતાનુ જિલ્લામા ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય તેમ જણાવ્યુ હતુ. શ્રી જાડેજાએ જિલ્લા અધિકારીઓને તેમનુ કાર્યમથક નહીં છોડવાની સૂચના આપવા સાથે ચૂંટણી કામગીરી માટે નિયત કરાયેલી વિવિધ સમિતિઓ, સ્કવોડ, ચેકપોસ્ટ પણ કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવાની હિમાયત કરી હતી.

ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટ્લે કે તા.૧લી ડિસેમ્બરે ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળની યોજાનારી ચૂંટણી સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ, અને ન્યાયી વાતાવરણમા યોજાઇ તે સુનિશ્ચિત કરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જાડેજાએ તાકીદ કરી હતી.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી-વ-ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસરશ્રી ડો.વિપિન ગર્ગએ જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય સ્તરની સરકારી કચેરીઓમા પણ આદર્શ આચાર સંહિતના અમલીકરણ અંગે સૂક્ષ્મ જાણકારી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ ચૂંટણીલક્ષી કામગીરીમા જરૂર પડ્યે પોલીસ અધિકારીઓનો સહયોગ મેળવવાની અપીલ કરી હતી. શ્રી જાડેજાએ ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ફેક ન્યૂઝ સહિત ફોર્વર્ડેડ મેસેજના કિસ્સામા સૌને તકેદારી સાથે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.

બેઠક કાર્યવાહી સાંભળતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી અને ચૂંટણી મામલતદાર શ્રી એમ.જે.ભરવાડે પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી તાકીદની બેઠકમા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવીત, પ્રયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાય.એમ.જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.બી.તબીયાડ સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Share this Article
Leave a comment