“ડાંગ દરબાર”ની તારીખ અને તવારીખ

adminpoladgujarat
adminpoladgujarat
5 Min Read

સંકલન ; મનોજ ખેંગાર

“કોરોના”ના કે’ર નો ભોગ બનેલા ઐતિહાસિક “ડાંગ દરબાર”નો ભાતીગળ લોકમેળો, અને ચાર દિવસીય ચાલતા રંગારંગ કાર્યક્રમ ઉપર ભલે કોરોનાનો ડોળો ફરી વળ્યો હોય. પરંતુ પ્રત્યેક ડાંગીજનની નસ નસમા વ્યાપ્ત “ડાંગ દરબાર”ની તારીખ અને તવારીખ ઉપર, આ કપરા કાળમાં નજર ફેરવવી, એ કદાચ સાંપ્રત લેખાશે.

 ઈ.સ.૧૮૪૨ સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને ૧૮૪૨મા ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા.
 જેના બદલામા ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હળપટ્ટીના રૂપમા જમીન મહેસુલ, પશુધન માટે ઘાસચારની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ બ્રિટિશરો તરફથી રાજાઓને મળતી.
 આ અછળી રકમ, દર વર્ષે રાજવીઓ, નાયકો, અને તેમના ભાઉબંધોને ડાંગી પ્રજાજનોનો “દરબાર’ ભરીને બ્રિટિશ હુકુમત તરફથી આપવામા આવતી.
 આ “દરબાર” યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો, ભાઉબંધો, અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય, અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમા સદ્ભાવના અને વ્યવહારભાવના કેળવાય તે હતો.
 એક સદી પહેલા યોજાતા “દરબાર”ના પ્રસંગો ખુબ જ વિશિષ્ઠ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમા સજ્જ રાજવી પરિવાર, ભાઉબંધો, નાયકો બે થી ત્રણ દિવસો સુધી અહી પડાવ રાખીને રહેતા, અને મેળામા મ્હાલતા. બ્રિટિશ પોલીટીકલ એજન્ટના હાથે સાલિયાણુ મેળવવુ એ ઘણુ માનભર્યું સમજતા.
 ઈ.સ. ૧૮૭૬/૭૭ મા રાણી વિક્ટોરિયા નો ભારતના મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો, તે વખતે ધૂળિયા (હાલનુ મહારાષ્ટ્ર) મા દરબાર યોજાયો હતો. ત્યાર પછી પીપળનેર, પીપ્લાઈદેવી, અને શિરવાડામા પણ દરબાર યોજવાનો ઉલ્લેખ જોવા મળે છે. સને ૧૯૦૦ના મે માસમા વઘઈ ખાતે પણ દરબાર યોજાયો હતો.
 આ દરબાર મા રાજવીઓને શિરપાવ અપાતો. નાયકો, ભાઉબંધો અને પોલીસ પટેલોને પણ જંગલમા લાગતી આગ નિવારણની કામગીરી સાથે બીજા સારા કામો માટે બક્ષીસો અપાતી.
 સને ૧૯૧૦મા પીમ્પરીના નાયકને જંગલ ખાતાની ઉપયોગી સેવાઓ બદલ એક બંદુક બક્ષિસમા આપવામા આવી હતી. તેજ વરસે સારી જાતના પાક ઉત્પાદન માટે પણ કેટલાક પોલીસ પટેલોને ચાંદીના કડા બક્ષીસરૂપે આપવામા આવ્યા હતા.
 સને ૧૯૧૧મા ચિંચલી-ગડદના નાયકને બ્રિટિશ સરકાર પ્રતિ વફાદાર રહેવા બદલ સોનાની વીંટી (અંગુઠી) આપવામા આવી હતી.
 સને ૧૯૧૩ના “ડાંગ દરબાર”મા ખુબ જ મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. તે વખતે ગાઢવી, પિંપરી, દહેર, ચિંચલી, કિરલી, અને વાસુરણાના રાજાઓ તથા ગાઢવી રાજ પરિવારના એક વયોવૃદ્ધ વડીલને “દિલ્હી દરબાર” તરફથી ખાસ “ચંદ્રકો” એનાયત કરાયા હતા.
 સને ૧૯૧૪મા ડાંગના ભીલ રાજાઓએ બ્રિટિશ હુકુમત સામે બળવો પોકાર્યો હતો.
 સને ૧૯૧૫મા બળવામા ભાગ લેનાર રાજા, નાયકોને દંડ કરાયો હતો. જયારે જેમને આ બળવામા ભાગ લીધો ન હતો તેમને ચાંદીના ઘરેણા, અને રોકડ રકમ આપવામા આવી હતી. ત્યારબાદ પ્રતિવર્ષ “ડાંગ દરબાર” વિનાવિઘ્ને ભરવામા આવતો હતો.
 સને ૧૯૩૫મા ભરાયેલો ડાંગ દરબાર વિશિષ્ઠ પ્રકારનો હતો. આ દરબારને “રૌપ્ય મહોત્સવ” તરીકે ઉજવવામા આવ્યો હતો. આ દરબારમા રોકડ રકમ સહીત શિરપાવની પણ વહેંચણી કરાઈ હતી.
 સને ૧૯૪૭ સુધી ત્રણ વખત “ડાંગ દરબાર” આહવા ખાતે યોજાયો હતો.
 સને ૧૯૪૮મા ડાંગનુ ભારતમા વિલીનીકરણ થયુ. તેમ છતા “ડાંગ દરબાર” પ્રતિવર્ષ ભરવાની પ્રથા ચાલુ રહી.
 સને ૧૯૫૪ થી મુંબઈ સરકારે રાજાઓ, નાયકો, અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામા ફેરફાર કરી, તેમના મૂળ હકોના બદલામા તેમને વંશપરંપરાગત “પોલીટીકલ પેન્શન” (રાજકીય પેન્શન) આપવાનુ શરુ કર્યું. જે પરમ્પરા આજદિન સુધી ચાલી રહી છે. સને ૧૯૫૪ થી આજદિન સુધી આહવા ખાતે જ “ડાંગ દરબાર” યોજાતો આવ્યો છે.
 સને ૨૦૨૦મા “કોરોના”નો પ્રવેશ ભારત દેશમા થતા ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહમા પ્રતિવર્ષ પધારતા રાજ્યપાલશ્રી આવી શક્યા ન હતા. માત્ર પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કોરોનાની હદેશત વચ્ચે સમારોહ આયોજિત કરાયો હતો.
 સને ૨૦૨૧મા ફરી એક વાર “કોરોના”નો ડોળો “ડાંગ દરબાર”ને ડરાવી ગયો હતો. ભાતીગળ લોકમેળો રદ થવા સાથે પોલીટીકલ પેન્શન પણ કલેક્ટરશ્રીની ચેમ્બરમા ખુબ જ સાદગીપૂર્ણ રીતે અર્પણ કરાયુ હતુ.
 ડાંગ દરબાર શરુ થાય તે પહેલા એકાદ સપ્તાહ અગાઉથી જ બજાર/હાટ, મેળો ભરાવાનુ શરુ થાય છે. ડાંગના પ્રજાજનો અહીંથી રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે.
 રંગ પંચમી પછી દરબારની ભીડ, અને હોળીનો ઉત્સાહ ઓસરતો જાય છે. પરંતુ આ તહેવારના મીઠાસભરી સ્મૃતિઓ આખુ વર્ષ લોકમાનસ ઉપર છવાયેલી રહે છે.

Share this Article
Leave a comment