ડાંગ જિલ્લાના ગરિમાપુર્ણ ઉત્સવના
સુચારૂ આયોજન વ્યવસ્થા અંગે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક:
–
આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ ના ભાતિગળ લોકમેળાનુ પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો દરમિયાન આહવા ખાતે આયોજન કરાતુ હોય છે. ગતવર્ષે કોરોનાને કારણે મૌકૂફ રહેલો ‘ડાંગ દરબાર’ નો ભાતિગળ લોકમેળો, આ વર્ષે પૂર્ણ ગરિમા સાથે યોજાય, તે માટે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારી આરંભી છે.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોદ્ધતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, ડાંગની ભાતિગળ પરંપરા અનુસાર રાજવીશ્રીઓને અપાતા સાલિયાણા સહિત શોભાયાત્રાના ગરિમા પૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થાઓ અંગે સંબંધિત સમિતિઓના અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.
હોળીના તહેવાર અગાઉ તા.૧૨મી માર્ચના રોજ ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાના તેની પરંપરા અનુસાર, માનનીય રાજયપાલશ્રીના હસ્તે થનારા ઉદ્દઘાટન સમારોહ બાબતે વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, ડાંગ જિલ્લાની ઐતિહાસિક વિરાસતને છાજે તે રીતે સમગ્ર કાર્યક્રમનુ સૂક્ષ્મ આયોજન ઘડી કાઢવાની સમિતિ સભ્યોને અપીલ કરી હતી.
ડાંગની ભાતિગળ પરંપરા અનુસાર રાજવીશ્રીઓને અર્પણ કરાતા સાલિયાણા ઉપરાંત ભાઉબંધો અને નાયકોને અપાનારા પોલિટિકલ પેન્શન, મેળામા આવતા વેપારીઓની દુકાનો અને મનોરંજન પાર્ક માટેની જગ્યા નિયત કરવા સાથે, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, શોભાયાત્રાનો રુટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય સંબધિત બાબતો, મંડપ-સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, સ્વચ્છતાને લગતા પગલાઓ સહિત, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સાથે મેળામા ઉમટતી જનમેદની સલામત રીતે મેળાની મોજ માણી શકે, અને ડાંગની ભાતિગળ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી શકાય તે બાબતે પણ કલેક્ટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો કરી, સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.
દરમિયાન પ્રાકૃતિક ડાંગની ગરિમાને અનુરૂપ જુદાજુદા સરકારી વિભાગો તેમની યોજનાઓને પ્રદર્શનના માધ્યમથી પ્રજાજનો સમક્ષ રજૂ કરી શકે તે માટે વિશાળ પ્રદર્શનીનુ પણ આયોજન કરવાનુ ઘડી કાઢવામા આવ્યુ હતુ.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિતે કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે ઘડી કાઢવામા આવેલી કોર કમિટી સહિત જુદી જુદી સમિતિઓની જવાબદારીઓ બાબતે વિસ્તૃત સમાજ પૂરી પાડી હતી.
—-