મહાશિવરાત્રી એ રાજ્યના ૩૧ તાલુકાઓમા ડાયાલિસિસ કેન્દ્રોનુ ઇ-લોકાર્પણ :
“વન નેશન વન ડાયાલિસિસ”ની દિશામા ગુજરાતની આગવી પહેલ
–
આહવા: તા: ૧: ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને ઘરઆંગણે જ ડાયાલિસિસ સેવા ઉપલબ્ધ કરાવવા હેતુથી કાર્યાન્વિત કરાયેલ શ્રેણીબદ્ધ ડાયાલિસિસ કેન્દ્રો “વન નેશન વન ડાયાલિસિસ” ક્ષેત્રે સમગ્ર દેશમા ગુજરાતની આગવી પહેલ છે, તેમ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ.
રાજ્યભરના ડાયાલિસિસ કેન્દ્રોના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્ય કક્ષાના યોજાયેલા રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ કાર્યક્રમની સાથે સાથે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતેના કેન્દ્રનુ લોકાર્પણ કરતા ધરાસભ્યશ્રીએ, તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટને કારણે ગંભીર બિમારી સાથે સંકળાયેલા દર્દીઓને ૩૦ થી ૪૦ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારમા જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ‘ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ’ કાર્યરત કરાવવામા આવ્યો છે, તેમ જણાવ્યુ હતુ.
આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરીને રાજ્યભરમા ૬૧ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામા આવ્યા હતા. જે શૃંખલાને આગળ વધારતા, આજે રાજ્યભરમા બીજા ૩૧ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત થતા હવે ગુજરાતભરમા સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા ૯૨ થઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતુ.
ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લામા પણ આહવા અને વઘઇ ખાતે આ કેન્દ્રોની સેવા અને સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે, તેમ પણ જણાવ્યુ હતુ. આગામી સમયમા રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમા ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ હોવાનુ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.
સર્વે સન્તુ નિરામયાના સુત્રને ખરા અર્થમા સાર્થક કરીને રાજ્યના તમામ જરૂરિયાતમંદ દર્દી, પીડિતોને આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનુ કાર્ય, ટીમ ગુજરાતે હાથ ધર્યુ છે. તેમ જણાવતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, કોરોનાકાળ દરમિયાન પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે સાથે નિરામય ગુજરાત , PMJAY-MA યોજના, મિશન ઇન્દ્રધનુષ ૪.૦. જેવી આરોગ્યલક્ષી યોજનાઓની અસરકારક અમલવારી કરાવીને રાજ્ય સરકારે જનકલ્યાણની શ્રેષ્ઠ કામગીરી હાથ ધરી છે, તેમ જણાવ્યુ હતું.
રાજ્યમા એક સાથે ૩૧ સ્થળોએ ડાયાલિસિસ કેન્દ્રોના ઇ-લોકાર્પણ કાર્યક્રમમા વિવિધ સ્થળોએથી પદાધિકારીઓ જોડાયા હતા.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને કલેકટર શ્રી ભાવિન પંડ્યા સહિત ઇન્ચાર્જ સિવિલ સર્જનશ્રી ડો.અંકિત રાઠોડ, ડો.રિતેશ બ્રહ્મભટ્ટ, સિવિલ હોસ્પિટલની ટિમ ઉપસ્થિત રહી હતી. જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, સામાજિક કાર્યકરો સર્વશ્રી ઘનશ્યામભાઈ પટેલ, દિલીપભાઈ ચૌહાણ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.સ્વાતિ, મેડિકલ ઓફિસરો સર્વશ્રી ડો.તેજલ, ડો.મિતેષ, ડો.વિવેક, અને ડો. વિરલ તથા તેમની ટિમ ઉપસ્થિત રહી હતી.
બન્ને સ્થળોએ મહાનુભાવોએ દાખલ દર્દીઓને મળી તેમના ખબરઅંતર પૂછી, ઉપલબ્ધ સેવા અને સારવારની જાણકારી પણ મેળવી હતી.
–