આહવા : તા : 3 : ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસયાત્રાને જન-જન સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે રાજ્યભરમાં ‘ વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિશ્વાસ ‘ વિષયક પ્રદર્શન કમ મેળાનું આયોજન થઈ રહ્યું છે.
જે અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ આગામી તારીખ 15 થી 21 જૂન, 2022 દરમિયાન આહવા ખાતે યોજાનાર પ્રદર્શન કમ મેળાની આયોજન વ્યવસ્થા સંદર્ભે જરૂરી વિચારણા હેતુ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ ગઇ. ડાંગ કલેકટરશ્રી ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી કે. જે. ભગોરાએ કાર્યક્રમ આયોજન અંગેની વિગતો રજુ કરી હતી.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળ ના પરિસરમાં યોજાનારા આ સામૂહિક પ્રદર્શન- કમ- મેળામાં જુદા જુદા જુથો દ્વારા જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન પણ કરાશે. સાથે રાજ્ય કક્ષાએથી ‘ વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ ‘ વિષયક અદ્યતન પ્રદર્શન, અને સ્થાનિક જિલ્લા પ્રશાસન દ્વારા દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રજૂઆત કરાશે.
રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લાના આ પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન/સમારંભ કાર્યક્રમ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાશે.
બેઠકમાં મેળાના સ્થળની પસંદગી સહિત આનુંષગિક વ્યવસ્થાઓ સંદર્ભે પુરી માર્ગદર્શન આપતા કલેકટરશ્રી ભાવિન પંડ્યા, અહીં ઊભા થનાર વેચાણ-પ્રદર્શન સંબંધિત વ્યવસ્થાઓમાં અંકસૂત્રતા જળવાઈ રહે તેનો ખ્યાલ આપ્યો. સમગ્ર કાર્યક્રમ વઘુ લોકભોગ્ય બની રહે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
જિલ્લા કક્ષાના કાર્યક્રમો ઉપરાંત તાલુકા કક્ષાએ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરી શકાય તે મુદ્દે કલેક્ટરશ્રીએ જરૂરી પરામર્શ કરી, સંબંધિત સમિતિ સભ્યો તથા અમલિકરણ અધિકારીઓને પરસ્પર સંકલન તથા સહયોગ સાથે, આ કાર્યક્રમને જન જન સુઘી પહોંચાડવાના સુચારૂ પ્રયાસો કરવાની અપિલ કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં સમિતિ સભ્યો સહિત અમલિકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લિધો હતો.
ડાંગ જિલ્લામાં યોજાશે ‘ વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ ‘ વિષયક સાત દિવસીય પ્રદર્શન મેળો: આયોજન- વ્યવસ્થા અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક: કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું
Leave a comment
Leave a comment