-અહેવાલ: મનોજ ખેંગાર
મરચાના પાકમા ખોટ ખાધા બાદ, આંબા કલમમા નફો રળીને બેઠો થતો યુવાન
આહવા: તા: ૦૫: કોરોનાના કપરા કાળમા પાંચેક લાખના મરચાના પાકના કોઈ લેવાલ નહી મળતા મહેનત માથે પડી હોવા છતા, હૈયે હામ રાખીને ફરીથી પરિશ્રમ કરી, આંબા કલમ તૈયાર કરીને, પોતાને થયેલી ખોટને સરભર કરી લઈ, ગોદડિયાનો યુવાન ખેડૂત અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે.
કોરોનાના વર્ષમા એટલે કે, પ્રથમ લોકડાઉન વેળા પોતે તૈયાર કરેલી મરચીનો પાક કોઈ ખરીદવા તૈયાર ન હતુ. જેને લઈને અંદાજે પાંચેક લાખની ખોટને કારણે, માથે હાથ દઈને બેઠેલા વઘઇ તાલુકાના ગોદડિયાના ખેડૂતને નવી રાહ ચીંધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇએ અમૂલ્ય માર્ગદર્શનઆપીને, તેને ફિનિક્સ પક્ષીની જેમ, રાખમાંથી પુનઃ બેઠો કર્યો છે.
પોતાના ખેતરમા માત્ર પાંચ ગુંઠા જેટલી મુઠ્ઠીભર જમીનમા બારેક હજાર જેટલી મધમીઠી કેરીની વિવિધ જાતો હાફૂસ, કેસર, લંગડો, દશેરીની કલમો ઉછેરીને, એક કલમના રૂ.૭૦/- પ્રમાણે ૧૨ હજાર કલમનો કુલ રૂ.૮ લાખ ૪૦ હજારમા સોદો પાકો કરીને, ગોદડિયાના યુવા ખેડૂત હસમુખ બાગુલે ખોટમાંથી બેઠા થવાનો સાહસિક માર્ગ પસંદ કર્યો છે.
પોતાની બાપિકી એક હેક્ટર-૧૫ આરે જમીન પૈકી માત્ર પાંચ ગુંઠામા જ, દસ દસ માસથી આંબા કલમને ઉછેરીને લાખોનો નફો રળતા આ યુવાન ખેડૂત શ્રી હસમુખ બાગુલે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમા હિંમત હાર્યા પછી, ફરી બેઠા થવુ મુશ્કેલ હતુ. ત્યારે જ વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિ તથા તેમની ટીમે, નવિન અને સાહસિક આંબા કલમના ઉછેરની દિશા બતાવી. જેના થકી દશેક માસમા જ ૧૨ હજાર આંબા કલમ તૈયાર કરીને, ખેતર બેઠા લેવાલ પણ મળી જતા, તેનામા નવો જોમ અને જુસ્સો આવ્યો છે. તેને જોઈને અન્ય ખેડૂતો પણ નવતર ખેતી પાકો તરફ વળી રહ્યા છે, તેમ હસમુખ બાગુલે ગર્વ સાથે જણાવ્યુ હતુ.
આંબા કલમ સિવાય જો તેણે પાંચ ગુંઠામા મરચી, રીંગણ, ટામેટા જેવા ધરૂ તૈયાર કર્યા હોત તો માત્ર પાંચ-સાત હજારની જ આવક મેળવી શક્યો હોત, તેમ જણાવતા તેણે આંબા કલમ કરીને ૮ લાખ ઉપરાંતની આવક મેળવી છે, તેમ એક રૂબરૂ મુલાકાતમા જણાવ્યુ હતુ.
હસમુખ બાગુલે ૧૨ હજાર આંબા કલમ તૈયાર કરવા માટે શરૂઆતમા એકાદ મહિનો પંદર, વીસ મજૂરો રાખવા પડ્યા હતા. જેના માટે અંદાજિત એકાદ લાખ રૂપિયાના રોકાણ સિવાય, દસ મહિના સુધી નિયમિત પાણી આપી, તેની માવજત કરીને ઘરના છ વ્યક્તિઓની દેખરેખ હેઠળ, આઠેક લાખ રૂપિયાની આવક મેળવી છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના બાગાયત વેજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિએ, ડાંગ જિલ્લામા મરચી, રીંગણ, ટામેટા, આંબા જેવા પાકોમા અહીના ખેડૂતોને ધરૂ વાડિયુ લેવા માટે છેક વ્યારા કે વાંસદા સુધી જવુ પડતુ હોય છે. ત્યારે જો તેઓ અહી ઘર બેઠા જ વેજ્ઞાનિક પદ્ધતિથી ધરૂ તૈયાર કરે, તો તેમનુ આર્થિક ભારણ હળવુ કરવા સાથે આવકનો નવો સ્ત્રોત પણ મળી રહે છે તેમ જણાવ્યુ હતુ.
યુવાનોને ‘આત્મનિર્ભર’ બનવાની પ્રેરણા આપતા ગોદડિયાના આ યુવાને, ગામમા જ્યારે અન્ય ખેડૂતો ભીંડાની ખેતી તરફ વળ્યા હતા. ત્યારે ધરૂવાડિયુ ઉછેરીને, નવો ચીલો ચાતર્યો છે.
માત્ર ધોરણ-૯ સુધી જ અભ્યાસ કરી શકેલો આ સાહસિક યુવાન, ખેતીમા નવતર પ્રયોગ કરીને તેને જ વ્યવસાયના રૂપમા અપનાવી ચૂક્યો છે.