આહવા નગરના રૂ.૧.૬૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરતા વન, આદિજાતિ અને મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા; તા; ૨૬; છેવાડાના માનવીઓ તથા છેક છેવાડેના વિસ્તારોનો પણ સમુચિત વિકાસ થાય તેવી નેમ સાથે શાસનધુરા સંભાળનાર સંવેદનશીલ રાજ્ય સરકાર વંચિતોના વિકાસને વરેલી સરકાર છે, તેમ વન, આદિજાતિ, મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આહવા ખાતે જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે “કેશવ કમલ” કોમ્પ્લેક્ષ ખાતેથી નગર વિકાસના કુલ રૂ.૧.૬૩ કરોડના કામોનું ખાતમુહુર્ત કરતા મંત્રીશ્રીએ વિકાસનું એક પણ કામ આ સરકારમાં બાકી નહિ રહે તેની ખાતરી આપતા, વિકાસમાં સૌને સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આહવા મેઈન બજારથી દેવલપાડા થઇ પ્રવાસી ઘર સુધીના રૂ.૨૫ લાખના ૩૦૦ મીટરના માર્ગ સુધારણાના કામ સહીત મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત (૧) મેઈન રોડથી શાસ્ત્રી કોલોની તરફ જતો ૧ કિલોમીટરનો રોડ, (૨) મેઈન રોડથી સરદાર કોલોની થઇ આયુર્વેદિક ફાર્મસી સુધીઓનો રોડ, અને (૩) મેઈન રોડથી ખેતીવાડી કોલોનીનો રોડ રૂ.૨૫ લાખના ખર્ચે નિર્મિત કરાશે. આ ઉપરાંત ૧.૫૦ કીલોમીટરના એસ.આર.આહવા કોલોની રોડ (૧) મેઈન રોડથી રાની ફળિયા તરફ જતો રસ્તો, (૨) મેઈન રોડથી બંધારપાડા તરફ જતો રસ્તો, (૩) મેઈન રોડથી પી.ડબ્લ્યુ.ડી. કોલોની થઇ ચાર રસ્તા તરફ જતો રસ્તો નવનિર્મિત કરાશે.

આ ઉપરાંત સુવિધા પથ સી.સી.રોડ (આહવા પ્લેટો રોડ ; ૦.૭૫૦ કિલોમીટર) પણ રૂ.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત કરાશે.

રોડ ઉપરાંત આહવા ગ્રામ પંચાયત હસ્તકના અન્ય રૂ.૩૧ લાખના કામોનું પણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આહવાના ગોર મહારાજ સર્વશ્રી વિજય જોશી અને વિકાસ જોશીએ શાસ્ત્રોક્તવિધિથી ખાતમુહુર્ત વિધિ સંપન્ન કરાવી હતી.

આ વેળા આહવાના નગરજનો ઉપરાંત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, માજી મંત્રી શ્રી કરસનભાઈ પટેલ, માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર શ્રી બાબુરાવ ચૌર્યા, આહવાના યુવા સરપંચ શ્રી હરિરામ સાવંત, સામાજિક કાર્યકરો સર્વશ્રી રાજેશભાઈ ગામીત, સંજય પાટીલ, હીરાભાઈ રાઉત, દિલીપભાઈ ચૌધરી, સુમનબેન દળવી, નગરશેઠ શ્રી રતિલાલ સાવંત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયત બાંધકામ શાખાના નાયબ ઈજનેર શ્રી સંદીપ મહાલા તથા તેમની ટીમ સહીત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

Share this Article
Leave a comment