13 મી ફેબ્રુઆરી, 2024
સ્વાતંત્ર્ય પછી પ્રથમ વાર દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારમાં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાતનું બહુમાન મેળવનાર શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનું ઉમંગથી સ્વાગત કર્યું હતું. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આમંત્રણને માન આપી પધારેલ રાષ્ટ્રપતિશ્રીની આ આધ્યાત્મિક અભયારણ્યની મુલાકાત એક ઐતિહાસિક અવસર બની રહ્યો હતો.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આંગણે ઉજવાયેલ આ ગૌરવપૂર્ણ પ્રસંગ ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોર, માનનીય રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ અને આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ શ્રી ડૉ. એસ. મુરલી ક્રિષ્નાની ઉપસ્થિતિથી શોભાયમાન હતો.
રાષ્ટ્રપતિશ્રીએ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી નિર્મિત વિશાળ, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની ટુર લીધી હતી. જેના અણુએ અણુમાં પવિત્રતા અને દિવ્યતાના સ્પંદનો વ્યાપ્ત છે એવા આ આશ્રમના અત્યાધુનિક સત્સંગ અને ધ્યાન સંકુલ – ‘રાજ સભાગૃહ’માં પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત હજારો અને ઓનલાઇન નિહાળતાં લાખો ભક્તોએ રાષ્ટ્રપતિશ્રીનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ દ્વારા રાષ્ટ્રપતિશ્રીનું હાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ મુલાકાતનું સુંદર સંભારણું આપતાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ રાષ્ટ્રપતિશ્રીને શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી અને રાજ સભાગૃહની સુંદર પ્રતિકૃતિ ભેટ આપી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મહિલા સશક્તિકરણ કાર્યક્રમની આદિવાસી બહેનોએ જાતે બનાવેલ વિશિષ્ટ ભેટ તેમને આપી હતી અને આદિવાસી લોકો દ્વારા પ્રસ્તુત થયેલ એક સુંદર ડાંગી નૃત્ય તેમણે આનંદથી માણ્યું હતું.
શ્રીમતી દ્રોપદી મુર્મુ આદિવાસી પ્રજામાંથી આવેલ પ્રથમ રાષ્ટ્રપતિ છે અને આદિવાસી સમુદાયોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વર્ષોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોના ઉત્થાન માટે શિક્ષણ, આરોગ્ય, મહિલા વિકાસ વગેરે અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક અનેક કાર્યો કરી રહ્યું છે, જે માટે રાષ્ટ્રપતિશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં આગળ વધતા રાજ્યપાલશ્રીએ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની હિન્દી સત્સંગ શ્રેણી ‘તભી ઈશ્વર પ્રસન્ન હોંગે’ અને ધ્યાન શ્રેણી ‘ક્ષમા ’નું વિમોચન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આ શ્રેણીનો પ્રથમ સેટ રાષ્ટ્રપતિશ્રીને ભેટ આપ્યો હતો. આમ આ અવસર ધર્મ, સમાજસેવા અને રાષ્ટ્રની આગેવાનીના સુભગ મિલનરૂપ બની રહ્યો હતો.
આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આવીને હું એક મહાન આધ્યાત્મિક પરંપરા પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું. શ્રીમદ્ રાજચંદ્રજીના પગલે ચાલીને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. તેમણે પોતાનું જીવન માનવજાતને શાંતિ અને સંવાદિતા તરફ દોરી જવા માટે સમર્પિત કર્યું છે. તેઓનું આ ઉમદા કાર્ય માનવતાના કલ્યાણમાં મોટું યોગદાન છે. હું ઈચ્છું છું કે લોકો વિશ્વભરમાં આ સંસ્થાના 200 થી વધુ કેન્દ્રોમાં જઈને જ્ઞાન મેળવે અને તેમના જીવનને સાર્થક કરે અને આ જ્ઞાનને સમગ્ર માનવતા સુધી પહોંચાડે.”
રાજ્યપાલશ્રીએ પણ પોતાના ભાવ દર્શાવતાં કહ્યું કે, “ભારત પ્રાચીન સમયથી આધ્યાત્મિક પરંપરાનો દેશ રહ્યો છે, શ્રીમદ્ રાજચંદ્રજી એવા વ્યક્તિત્વ છે, જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે. આદરણીય ગુરુદેવશ્રી રાકેશજી સુખ, શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જવા સક્ષમ એવા શ્રીમદ્જીના સાર્વત્રિક મૂલ્યો ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ માટે હું તેમને નમન કરું છું. આ આદિવાસી વિસ્તારમાં જેઓ વંચિત અને શોષિત છે તેમને પણ આપણને મળતી તમામ સુવિધાઓ મળવી જોઈએ એવી વિચારધારા સાથે કામ કરવા માટે હું આદરણીય ગુરુદેવશ્રી રાકેશજીને અભિનંદન આપું છું.”
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના વાઇસ પ્રેસિડેન્ટ આત્માર્પિત નેમિજીએ આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રી આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “અમે પૂજ્ય ગુરુદેવશ્રીના ભક્ત તરીકે અમારી જાતને ધન્ય માનીએ છીએ. રાષ્ટ્રપતિશ્રી મહોદયા, અમે આધ્યાત્મિકતાના પ્રતીક એવા આપને રાષ્ટ્રપતિ તરીકે મેળવીને નસીબદાર બન્યા છીએ અને નૈતિકતા, માનવતા અને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ મેળવીને ભાગ્યશાળી બન્યા છીએ.”
આ જ દિવસે રાજ સભાગૃહમાં રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત PVTG ના ઉત્થાન માટે અન્ય એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સમગ્ર ગુજરાતના આદિમજૂથ સમુદાયના 350થી વધુ પ્રતિનિધિઓ સાથે તેમણે બેઠક કરી હતી.
આમ ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિશ્રીની આ વિશિષ્ટ મુલાકાત વિશ્વમાં ભારતીય અધ્યાત્મ અને સામાજિક કાર્યોને એક નવી ઊંચાઈએ લઇ જવાના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના નિષ્ઠાવંત પ્રયાસોનું સન્માન છે.