આહવા ખાતે યોજાઇ ડિસ્ટ્રિક્ટ ટી.બી. ફોરમની બેઠક : સૌના સહયોગ થી ટી.બી. રોગને દેશવટો આપવા માટે જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ : – ‘નિક્ષય’ પોર્ટલ ઉપર નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં રહેલા લોકોનુ પણ નિદાન કરશે

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા : તા . ૧૭, ભારતમાંથી ક્ષયરોગને દેશવટો આપવાના ભાગરૂપે અસરકારક વ્યૂહરચના અમલમા મૂકીને કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર રાજ્ય સરકારે ટી.બી.નાબુદી કાર્યક્રમ અમલમા મુક્યો છે. ત્યારે આ કાર્યક્રમનો સુચારૂ અમલ કરીને ડાંગ જિલ્લામાંથી પણ ક્ષયરોગોને નાબુદ કરવાની હાંકલ, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ કરી છે. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે તાજેતરમા યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ટી.બી. ફોરમની બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ ગામેગામથી ટી.બી.ના કેસોની સક્રિય શોધ સાથે ખાનગી ક્ષેત્ર તથા લોક સમુદાયની ભાગીદારીથી ગુણવત્તાયુક્ત દવા, અને ચોક્કસ નિદાન ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી.ટી.બી.ના દર્દીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા અપાતી પોષણ સહાય, સાથે સારવારની સેવાઓનુ વિસ્તૃતિકરણ, તથા નવા દર્દીઓને તુરંત સારવાર ઉપર મૂકવાની અપીલ પણ આ વેળા કલેકટરશ્રીએ કરી હતી.આગામી સમયમા રાજયભરમા શરૂ થવા જઇ રહેલા PMTPT પ્રોગ્રામ અંતર્ગત ‘Nikshay Portal’ ઉપર નોંધાયેલા ટી.બી.ના દર્દીઓના સંપર્કમા રહેતા કુટુંબના તમામ સભ્યોનુ ટી.બી. અંગેનું નિદાન હાથ ધરવામા આવનાર છે. સાથે એઇડ્સ સહિત અનેક જોખમી લક્ષણો ધરાવતી વ્યક્તિઓમા પણ ટી.બી. અંગેનુ નિદાન કરાશે, તેમ જણાવતા કલેક્ટરશ્રીએ આવા નિદાન બાદ જે વ્યક્તિઓમા ટી.બી. અંગેની સંભાવનાઓ પણ જણાશે, તો તેવા વ્યક્તિઓની સારવાર શરૂ કરાશે તેમ જણાવ્યુ હતુ.બેઠકની કાર્યવાહી સંભાળતા જિલ્લા ક્ષય અધિકારીશ્રી એ એજન્ડા વાર લક્ષ્યાંક અને સિદ્ધિઓનુ પ્રેઝન્ટેશન રજૂ કરી, ટી.બી. રોગ નાબુદી સામેના પડકારોની વિસ્તૃત જાણકારી સાથે સૌના સહયોગથી લક્ષ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રશાસન પ્રતિબદ્ધ છે, તેમ જણાવ્યુ હતુ.

Share this Article
Leave a comment