વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે ‘માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોને માર્ગ સલામતી, સાયબર ક્રાઈમની સમસ્યા અને સમાધાનોથી માહિતગાર કરાયા

સુરત:શુક્રવાર: સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે આર.ટી.ઓ. ઓફિસરશ્રી એમ.આર.ગજ્જરની ઉપસ્થિતિમાં ‘માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો હતો. વનિતા વિશ્રામના સ્કુલ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ તથા એન.એસ.એસ. યુનિટના ડીન ડો.અભિલાષા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશકુમાર વર્માએ ઉપસ્થિત ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોને વિષય અનુરૂપ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
શ્રી બ્રિજેશકુમાર વર્માએ વાહન વ્યવહાર અને ટ્રાફિકને લગતું સામાન્ય જ્ઞાન, અકસ્માત જેવી ગંભીર સમસ્યા નિવારવાના વિકલ્પો, ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી થતા લાભો, સરળ કોમ્પ્યુટરાઈઝડ પદ્ધતિ દ્વારા ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા તેમજ mParivahan અને ડિજીટલ લોકર એપ વિષે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી માહિતી પૂરી પાડી હતી. તેમણે ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ રહેવા આહવાન કરી પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
આ પ્રસંગે આર.ટી.ઓ.-પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી એમ.આર.ગજ્જરે ગુડસ મેરીટર્નસ (ભલા વ્યક્તિ) અને રોડ અકસ્માતના કિસ્સાઓમાં આપણી ફરજો વિષે ઉપયોગી સમજ આપી હતી, DTEWSના મહામંત્રી હિતેશભાઈ રાણાએ સાઈબર ક્રાઈમ, સોશ્યલ નેટવર્કિંગ સાઈટસના દુરૂપયોગ દ્વારા આચરાતા ગંભીર ગુનાઓ, ફ્રોડ જેવી બાબતો વિષે સૌને માહિતગાર કરી તેના સમાધાનો અને સમસ્યાઓનો નીડરતાપૂર્વક સામનો કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે વનિતા વિશ્રામનાશ્રી પ્રવીણ વોરા, વનિતા વિશ્રામ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.દક્ષેશ ઠાકર, ટ્રાફિક પોલીસ વિભાગમાંથી શ્રી વી. બી. દેસાઈ (પી.આઈ.- રિજીયન-૩), પી.એસ.આઈ. શ્રી એમ.આર.પરમાર, પોલીસ કર્મચારીઓ, અધ્યાપકો- વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-૦૦-

Share this Article
Leave a comment