આદિવાસી ” ગામીત સમાજ ” નું ગૌરવ કોરોના સંક્રમિત દર્દીઓને મોટીવેટ કરી નૈતિકભાઈ નિભાવી રહ્યાં છે સમાજ પ્રત્યે મોટી જવાબદારી

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

વ્યારા -તાપી તા. 02 : નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને વહેલીતકે રસીકરણની પ્રક્રિયા પણ શરૂ થવા જઈ રહી છે. કોરોનાની વાત કરીએ તો કોરોનાકાળ દરમિયાન કોરોના વોરિયર્સની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી છે. એવા જ એક કોરોના વોરિયરની વાત કરીએ જેઓ સોનગઢ તાલુકાના પહાડી જંગલીય વિસ્તારમાં આવેલ કાંટી/ કાલધર ગામનાં વતની છે. જ્યાં પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, એવા વિસ્તારમાં રહેતા ગામીત નૈતિકભાઈ વેલજીભાઈ, જેમને MSW નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તેઓ કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં કોરોના વોરિયર તરીકે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે કોરોના કાઉન્સેલર તરીકે છેલ્લા એક મહિનાથી કામ કરી રહ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓને મોટિવેટ કરવાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

નૈતિકભાઈને આવી રીતે કામ કરવાની પ્રેરણા ગુજરાત વિદ્યાપીઠનાં પ્રાધ્યાપક મનોજભાઈ પરમાર પાસેથી મળી છે. વધુમાં તેઓએ એમએસડબ્લ્યુનો અભ્યાસ પાટણ યુનિવર્સિટીમાંથી કર્યો છે જ્યાંથી પણ તેમણે કોરોના દરમ્યાન આવી રીતે કામ કરવાની પ્રેરણા મળી. કોવિડ વિભાગમાં ફરજ બજાવતા નૈતિકભાઈએ જણાવ્યું કે, કોવિડ દર્દીઓ માનસિક રીતે તણાવમાં હોય છે અને વોર્ડનાં દ્રશ્યો જોઈને વધારે મુંઝવણમાં આવી જાય છે. તે માટે તેમને તણાવમાંથી બહાર કાઢવા માટે દર્દીઓ સાથે વાતો કરી અને મોટીવેટ કરવાની કામગીરી કરીએ છીએ. જેથી તેમની માનસિકતામાં સતત સુધારો નોંધાય છે. વોર્ડનું વાતાવરણ જોઈને દર્દીઓ હેરાન ન થાય તે માટે તેમને કોરોના વિશે સમજણ પણ પૂરી પાડીએ અને મોટીવેટ પણ કરીએ છીએ. જેથી કરીને દવાઓ સાથે તેમની માનસિક સ્થિતિમાં પણ સકારાત્મક પ્રભાવ પડ્યો છે. ઘણી વાર તેમના પરિવારજનો સાથે વિડીયો કોલ પર વાત કરાવી દેતા હોય છે.

નૈતિકભાઈ દર્દીઓને દવાઓ ની સાથે સાથે માનસિક સારવાર આપવાની કામગીરી પણ કરી રહ્યા છે. કોરોનાની ચપેટમાં આવેલા દર્દીઓને સાજા કરવામાં કાઉન્સિલિંગનો સૌથી મોટો ફાળો રહ્યો છે. જેના લીધે દર્દીઓની મુંઝવણ દૂર થતી હોય છે અને માનસિક રીતે દર્દી સ્વસ્થતા અનુભવે છે જેથી તેના વહેલા સ્વસ્થ થવાના ચાન્સ વધી જાય છે અને આવી જ કામગીરી સોનગઢ કાંટી ગામના નૈતિકભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરી રહ્યાં છે. જે આદિવાસી સમાજ માટે આનંદની લાગણી કહેવાય.

Share this Article
Leave a comment