ડાંગ જિલ્લામાં છેલ્લા ૬ કલાકમાં સરેરાશ ૧૬૫ મી.મી વરસાદ નોંધાયો :
ભારે વરસાદના પગલે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૨૮ માર્ગો અવરોધાયા :
(પોલાદ ગુજરાત): આહવા: તા: ૦૩: રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પાપ્ત થયેલી વિગતો અનુસાર આજે એટલે કે તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીના ૬ કલાકમા સરેરાશ ૧૬૫ મી.મી. વરસાદ (મોસમનો કુલ વરસાદ ૩૪૦.૩૩ મી.મી.) નોંધાવા પામ્યો છે.
વિગતે જોઈએ તો આ ૬ કલાકમા આહવા તાલુકામા ૧૫૫ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૩૫૧ મી.મી.), વઘઈ તાલુકામા સૌથી વધુ ૨૫૦ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૪૩૨ મી.મી.), અને સુબીર તાલુકામા ૯૦ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૨૩૮ મી.મી.) મળી જિલ્લામા સરેરાશ ૧૬૫ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૩૪૦.૩૩ મી.મી.) વરસાદ નોંધાઈ ચુક્યો છે.
દરમિયાન આ વરસાદને પગલે આજે બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના ૨૮ જેટલા માર્ગો વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં આહવા તાલુકામાં ૧. જાખાના કોટમદર રોડ, ૨.બારીપાડા ચિરાપાડા રોડ, ૩. રાનપાડા ભાખખલ બારીપાડા રોડ, ૪. ચિકટ્યા ગઢવી રોડ, સુબીર તાલુકામાં એક રોજ જે ઢોગીઆંબા લહાનકસાડ મોટીકસાડ રોડ અને વઘઇ તાલુકામાં ૧. માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, ૨. કાંચનપાડા થી સુરગાણા રોડ, ૩. વાંઝટઆંબા કોયલીપાડા રોડ, ૪.ખાતળ ફાટક ટુ ધોડી રોડ, ૫. ઘોડવહળ વી.એ. રોડ, ૬. મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, ૭. વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, ૮. દોડીપાડા ચિકાર ફળિયા રોડ, ૯. ડુંગરડા વી.એ. રોડ. ૧૦. માછલી ખાતળ રોડ – 2, ૧૧. પાતળી ગોદડીયા રોડ, ૧૨. ગોદડીયા ટુ પાંઢરમાળ રોડ, ૧૩. દોડીપાડા બરડા રોડ, ૧૪. માછલી ચિખલા દિવડીયાવન રોડ, ૧૫. ધાંગડી કાનાત ફળિયા રોડ, ૧૬. દગુનીયા વી.એ. રોડ, ૧૭. બાજ મેઇન રોડ ટુ મલિન રોડ, ૧૮. આહરડી નડગચોંડ રોડ, ૧૯. નિચલા ફળિયા કોયલીપાડા રોડ, ૨૦. ભેંસકાતરી કાકરદા ભોગડીયા એન્જીપાડા રોડ, ૨૧. ચિખલદા વી.એ. રોડ, ૨૨. ભદરપાડા ચિંચોડ રોડ, ૨૩.આહેરડી બોરદહાડ રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રે અવરોધાયેલા માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.
આ ભારે વરસાદ કારણે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણાના માર્ગદર્શન તેમની ટીમ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનુ કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
જિલ્લામા કોઇપણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો, ડાંગ જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૪૭ તેમજ વૈકલ્પિક નંબર ૬૩૫૫૮૨૦૨૫૨ અને ટોલ ફ્રિ નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામા આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.

