પ્રિન્સ માનવેન્દ્રસિંહ પોતાના 58 માં જન્મદિવસની ઉજવણી પ્રજાજનો સાથે કરી
એકમાત્ર હેરિટેજ પબ્લિક ગાર્ડન બચાવવાનો સંકલ્પ કર્યો
પ્રિન્સ માનવેન્દ્રસિંહ સહિત આગેવાનો અને વહેપારીઓએ ઝાડુ પકડી ગાર્ડનની સાફ-સફાઈ કરી
જો, રાજવી પરિવારે સાફ-સફાઈ કરવી પડે તો, એ તંત્ર માટે શરમજનક બાબત છે
(સાજીદ સૈયદ, નર્મદા)
રાજપીપલા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ એ પોતાનો 58 મો જન્મ દિવસ પ્રજાજનો વચ્ચે વૈદ વિનાયક રાવ પબ્લિક ગાર્ડનમાં ઉજવ્યો હતો, જેમાં રાજપીપળા સ્ટેટના મહારાજા રઘુવીરસિંહ ગોહિલ, શ્રીમતી વિરાજબા મહિડા, નર્મદા જિલ્લા આચાર્ય સંઘના આગેવાનો તેમજ વિવિધ શાળાઓના આચાર્યો, ડો. યોગેશભાઈ સુખડિયા, અજીતસિંહ રાઠોડ, રાજપીપળા વિવિધ વેપારી મંડળના પ્રમુખ ગૌતમ પટેલ, મંત્રી ત્રુશાર શાહ, કારોબારી મેમ્બર, મહેશભાઈ ઉભરાણી, નરેશ મારવાડી, સલાહકાર જયેશભાઈ ગાંધી સાથે અન્ય વહેપારીઓ, બર્ક ફાઉન્ડેશનના આગેવાન મારિયા બર્ક, પૂર્વ નગરપાલિકા સદસ્ય ઉત્તમભાઈ મહેતા અને રાજપૂત સમાજ માછી સમાજ તથા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પ્રજાજનોએ ઉપસ્થિત રહી યુવરાજને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી, આ આ પ્રસંગે યુવરાજ માનવેન્દ્રસિંહ ગાર્ડન સહિત રાજપીપળાને અને હરિયાળું રાખવા અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી
યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ગાર્ડનની સફાઈ કામગીરી કરીને ઉજવ્યો હતો. અને નગરજનો સાથે હાથમા ઝાડુ પકડીને સફાઈ કામગીરી કરનાર રાજવી પરિવારે ગાર્ડનની સફાઈ કામગીરી કરી હતી, રાજવી પરિવારને આમ સાફ સફાઈ કરતા દ્રશ્યને જોઈને લોકોએ તંત્ર માટે આ બાબતને શરમજનક ગણાવી હતી. યુવરાજ માનવેન્દ્રસિંહએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા પર દાદા મહારાજા વિજયસિંહ પ્રજાની સુખાકારી અને લોકોના મનોરંજન માટે ગાર્ડન બનાવ્યો હતો. આ ગાર્ડનની દુર્દશા જોઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે મેં અહીં મારો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. હાલમાં રાજપીપલા ગાર્ડનમાં સ્વચ્છતાનો સદંતર અભાવ છે અને રાજપીપલા નગરપાલિકા દ્વારા અહીં ગેરકાયદેસર દુકાનો બાંધવાની તેમજ શાક માર્કેટ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના પર અમને સ્ટે લાવવામાં સફળતા મળી છે. તેમજ આ ગેરકાયદેસર બાંધકામ પર સ્ટે લાવવા સ્વ. ચંપકભાઈ સુખડિયા ટ્રસ્ટ તથા વિવિધ વેપારી મંડળે સહકાર સાથે અભિનંદન આપ્યા હતા.
અને આ પબ્લિક ગાર્ડનમાં એક બહુ જ સુંદર ઈમારત જેને બેન્ડ સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ સંગીત માટે બનાવવામાં આવ્યું હતું સ્ટેટ સમયે પ્રજાજનો માટે અહીં બેન્ડનું સંગીત વાગતું હતું, આજે આ બેન્ડ સ્ટેન્ડની હાલત પણ જર્જરીત છે, રાજપીપળાના લોકોની સુખાકારી માટે જે વારસો રાજપીપલા નગરપાલિકાને સોંપ્યો છે તેની તંત્રને કદર નથી આ હેરિટેજ ઇમારતોની હાલત જોતા એમ કહી શકાય કે મહારાજા વિજયસિંહનું અપમાન છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પર દાદા વખતે ગાર્ડનની જે જાહોજલાલી હતી અને સુંદરતા હતી એ પાછી આવે એ મારી તંત્રને અપીલ છે અને સાથે હેરિટેજ વસ્તુઓનો બગાડ કરવા કરતા એને સ્વચ્છ અને સલામત રાખે કેમકે, રાજપીપળામાં આવતા પ્રવાસીઓ રાજપીપળાનો ઇતિહાસ જોવા આવે છે ખંડર જોવા નથી આવતા.