ફર્નિચર, ક્રાફટ મેકિંગ અને કાષ્ઠ કલા તાલીમ કારીગરોને આપવામાં આવી રહી છે
સુરત:શુક્રવાર: નેશનલ બામ્બુ મિશનમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ‘વિસડાલીયા ક્લસ્ટર’ માત્ર સ્થાનિક ગ્રામજનો માટે રોજગારી સર્જનનું કેન્દ્ર જ નથી બન્યું, બલ્કે રાજ્યના અન્ય જિલ્લાઓના વસતા કારીગરોમાં અને સ્કીલ્ડ વર્કર્સમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ખીલવવા માટેનું માધ્યમ પણ બન્યું છે. અહીં ફર્નિચર બનાવતાં કારીગરોને વ્યાવસાયિક તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે, જેથી તાલીમબદ્ધ થઈને તેઓ પોતાના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરી શકે અને પોતાના વ્યવસાયને નવી ઊંચાઈ આપી શકે.
‘વિસડાલીયા ક્લસ્ટર’ દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ફર્નિચર અને કાષ્ઠકલાના ૧૦ કારીગરોને સાત દિવસીય કાષ્ઠ કલાનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલિટી CSR ના ભાગરૂપે બામ્બુ (વાંસ)માંથી ફર્નિચર, કલ્ટીવેશન, પ્રોસેસિંગ અને ક્રાફટ મેકિંગ માટેની ઉપયોગી તાલીમ શિબિર તા.૨૧ થી ૩૦ સપ્ટે. દરમિયાન યોજાઈ રહી છે.
વિસડાલિયા ક્લસ્ટર હેડ શ્રી વિનિતકુમારે જણાવ્યું હતું કે, તાલીમ પૂરી પાડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે બામ્બુ અને કાષ્ઠકલા સાથે નાના કારીગરો અને વ્યવસાયી લાભાર્થીઓ નિ:શુલ્ક તાલીમ મેળવી સ્વરોજગારી મેળવે તે રહેલો છે. તાલીમાર્થીઓ આર્થિક રીતે પગભર થાય તેવા આશય સાથે વાંસમાંથી ફર્નિચર અને અવનવી ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલ ગામમાં રહેતા અને ફર્નિચર તેમજ સુથારીકામ સાથે સંકળાયેલા ૩૫ વર્ષીય દિનેશભાઇ રામજીભાઈ વસાવા અહીં તાલીમ મેળવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, હું છેલ્લાં ૧૦ વર્ષથી સુથારીકામ કરૂં છું. સુરત વનવિભાગના વિસડાલીયા ક્લસ્ટર દ્વારા નિ:શુલ્ક તાલીમ આપીને સ્વરોજગારી મેળવવા સાથે સ્વતંત્ર વ્યવસાય સ્થાપવા પણ માર્ગદર્શન મળી રહયું છે. અત્યાર સુધી પરંપરાગત રીતે કામ કરતા હતા, પરંતુ અહીં અમને ગુણવત્તાયુક્ત કામ કરવાની નવીન પદ્ધતિઓ શીખવવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને સંતોષકારક સેવા આપીને વધુમાં વધુ કામ મેળવી શકીશું એમ દિનેશભાઇ જણાવે છે.
નાયબ વન સંરક્ષક શ્રી પુનિય ઐયરના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોમાં લોકોને ઘરઆંગણે રોજગારીનો અવસર મળી રહયો છે. રોજગાર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કલાકારો, આદિવાસી બહેનો અને સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ પણ કરવામાં આવે છે.
‘વિસડાલીયા કલસ્ટર’ના હેડ શ્રી વિનીત પ્રભાકર જણાવે છે કે, આશરે ૩૨ ગામના બામ્બુ કલાકારોને આ ક્લસ્ટર થકી રોજગારી પ્રાપ્ત થાય છે. જેમાં દિલ્હી, મુંબઇ અમદાવાદ, ગાંધીનગર જેવા સ્થળેથી ઓર્ડર આવે છે. બામ્બુકલા કલાકારોને શીખવાડવામાં આવે છે, રાષ્ટ્રીય સ્તરે આ ક્લસ્ટરની નોંધ લેવાતા અહીંના બામ્બુ કલાકારોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
૦૦૦૦૦૦