સુરતઃશનિવારઃ- સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી હોય તો પણ દાનવીર સુરતીઓ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ સૂરતને ભરડામાં લીધું છે, ત્યારે કોરોના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતના કર્મયોગી ૨૮ વર્ષીય સાર્થક ચેવલી કોરોના મુક્ત થઈ જન્મદિવસે બીજીવાર પ્લાઝમા દાન કરી સમાજ અને યુવાઓ માટે ઉદાહણરૂપ બન્યા છે.
રકતદાન હોય કે અંગદાન હંમેશા પ્રથમ ક્રમે રહેલું સુરત હવે ૫૫૦ થી વધુ વ્યકિતઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવીને પોતાનું પ્લાઝમા દાન કરવામાં સુરતીઓએ આગવો મીજાજ બતાવ્યો છે. જન્મદિવસને કે અન્ય પ્રસંગ દિવસને યાદગાર બનાવી સમાજ પ્રત્યે પોતાનું ઋુણ અદા કરી રહ્યા છે. તો કોરોના વાયરસ સામે લડતા સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થવામાં આગવું બળ પુરૂં પાડી રહ્યા છે.
મૂળ સુરતના અડાજણની જાનકી રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા ૨૮ વર્ષીય સાર્થક ચેવલી એ જણાવ્યું કે ” જુલાઈ મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમણ થયું હતું. સિવિલ અને સ્મીમેરમાં હોસ્પિટલમાં છ દિવસ સારવાર બાદ રજા આપવામાં આવી. ૨૧ જુલાઇના રોજ મને પ્લાઝમા વિશે માહિતી મળી. જુલાઇમાં પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું. જ્યાં ડોક્ટરે સમજાવ્યું કે, ૧૫ દિવસ પછી પાછા પ્લાઝમા આપી શકો છો.
સાર્થકભાઈ ચેવલીએ જન્મદિવસે બીજીવાર પ્લાઝમા દાન કર્યું. ડોનેટ કરી જન્મદિવસની ઉજવણી કરી, સેવાનું ઉદાહરણ પુરૂં પાડયું છે.