લઘુમતી વિસ્તાર હોવાના કારણે પાલિકા દ્વારા સફાઈ જેવા ક્ષુલ્લક મુદ્દે પણ ઓરમાયુ વર્તન કરાતું હોવાની લોકો મા ચર્ચા!
વોર્ડ 5 મા 2 સદસ્ય સત્તાધારી ભાજપ ના અને 2 સદસ્ય કોંગ્રેસના છે, તો શું તેઓ માત્ર આંગળીઓ ઊંચી કરવા અને ફોટા પડાવવા માટેજ ચૂંટાઈને ગયા છે?? ચૂંટણી વખતે લોકોના ઉંબરા તોડી નાખતા ઉમેદવારો હવે ક્યાં ગયા??
(સાજીદ સૈયદ, નર્મદા)
રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં આવતા સિંધીવાડ વિસ્તારમાં સતત 4 કેસ ડેંગ્યુ પોઝિટિવ આવવા છતાં રાજપીપળા નગરપાલિકાનું નઘરોળ તંત્ર જાગવા રાજી નથી, શું પાલિકાનું તંત્ર પોતેજ ઈચ્છે છે કે ડેંગ્યુને કારણે કોઈનું મૌત થઈ જાય?? લોકોમા એવી જબ્બર ચર્ચા છે કે, વોર્ડ 5 મા આવતો સિંધીવાડ વિસ્તાર લઘુમતી બાહુલય હોવાને કારણે જાણી જોઈને સાફ સફાઈ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ મુદ્દે દૂર લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
સામાન્ય દિવસોમા તો રસ્તા અને ગટરો ની સફાઈ મામલે લાલીયાવાડી ચાલતી હોય છે, પણ ચોમાસાની ઋતુ પુરી થવાના આરે હોઈ અને શિયાળા ની શરૂઆત થવાની હોય બેવડી ઋતુનું સંયોજન સર્જાતા મચ્છરોના ઉપદ્રવ વધી જવા પામ્યો છે, ત્યારે થોડા દિવસો અગાઉ એક જ પરિવારના બે સદસ્યો અને ત્યાર બાદ એક 7 વર્ષીય બાળક પણ ડેન્ગ્યુની ઝપટે ચડ્યું છે જેની સારવાર પેહલા રાજપીપળા સિવિલ અને બાદમા ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી.
તેમ છતાં પાલિકા કે આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કે મચ્છરોના ઉપદ્રવને રોકવા કોઈ ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી નથી, હજી પણ સિંધીવાડ વિસ્તારમાં કચરાના ઢગ અને ઉભરાતી ગટરો જૈસે થે ની પરિસ્થિતિમાં છે, આખા નગરમા એક જ વિસ્તારમાં ડેંગ્યુના કેસો હોવા છતાં પાલિકાનું તંત્ર સાવચેતીના પગલાં લેવામાં આળસ કેમ કરે છે?? શું પાલિકા પોતેજ ઈચ્છે છે કે ડેંગ્યુમા સપડાઈને કોઈનું મૌત થાય??