યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે જાહેર કર્યો

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

ગુજરાતના ગરબાને મળી વૈશ્વિક ઓળખ

નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો

(સૈયદ સાજીદ : નર્મદા)
રાજપીપલા, બુધવાર :- રાજ્યના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરૂડેશ્વર તાલુકાના એકતાનગ સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયેલા ‘ગુજરાતનો ગરબો’ જિલ્લા કક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો. જેમાં બેત્સવાના ખાતેથી યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને સૌ ઉપસ્થિત યુવાઓ અને મહાનુભાવો દ્વારા આવકારી ગૌરવ અનુભવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ગરવા ગુજરાતની ગરવી સંસ્કૃતિનો ઇતિહાસ ગુજરાતના ગરબામાં ધરબાયેલો છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગરબો એટલે શક્તિની ભક્તિ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ કહી શકાય. આદિ-અનાદી કાળથી ગરબો ચાલ્યો આવ્યો છે. દેશ અને દુનિયામાં ગરબો હવે ગ્લોબલ બની ચૂક્યો છે. વિદેશમાં રહેતા લોકો પણ ગરબાને ભૂલી શકતા નથી અને ગરબાનું ઘેલું સૈને લાગ્યું છે. નવરાત્રીમાં નવ દિવસ ઉત્સાહ-ખંતથી યુવાનો ઝૂમી ઉઠે છે. ઢોલ વાગે એટલે ગરબાનો થનગનાટ યુવાઓમાં જોવા મળે છે. ત્યારે ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને આજે યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે જેના આપણે સૌ સાક્ષી બન્યા છે અને આપણા માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી છે.

વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, ટુરિઝમ ક્ષેત્રે નર્મદા જિલ્લાને પ્રવાસન સ્થળ તરીકે આગવું સ્થાન સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી થકી પ્રધાનમંત્રીશ્રી નરેદ્નભાઈ મોદીએ અપાવ્યું છે. એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. દિવાળી વેકેશન દરમિયાન લોકો ફરવા માટે નર્મદા જિલ્લાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. આ વખતે વખતે અંદાજે ૨.૮૭ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ગુજરાતના ગરબાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.એલ.આર.એસ. સ્કૂલ-દેડિયાપાડા, નવદુર્ગા સ્કૂલ-રાજપીપલા, વાલ્મિકી આશ્રમ શાળા-બોરિયાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને નવોદય ગ્રામવિકાસ ટ્રષ્ટ-સાગબારાના યુવા કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી ‘અમૃત સાંસ્કૃતિક વારસો’ (ICH) તરીકે અંકિત થઇ છે. જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું ૧૫મું (ICH) બન્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માકતાભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પદમબાબુ, જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણું વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપ પટેલ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, વિવિધ શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment