(સાજીદ સૈયદ : નર્મદા)
રાજપીપલા, રવિવાર :- ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈ તથા કરજણ બંધની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા જિલ્લાના રાજપીપલા, ભદામ, ધાનપોર, રૂંઢ, ભચરવાડા, હજરપરા અને ધમણાચા સહિતના ગામોમાં છોડવામાં આવનાર પાણીના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓએ સ્થાનિક નાગરિકોને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
સ્થાનિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે નાયબ મામલતદાર તથા તલાટી કમ મંત્રીશ્રી/ રેવેન્યુશ્રીઓને ફરજની સોંપણી કરવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનોના સંકલન થકી સ્થળ પરના કાંઠા વિસ્તારના અસર કરતા ગ્રામજનોને તેમજ પશુધન સહિત ભારે વરસાદ તેમજ સંભવિત પરિસ્થિતિ માટે સલામત સ્થળ પર ખસેડવાની તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે.