સંકલ્પ સપ્તાહ, જિલ્લો ડાંગ : એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે યોજાયો ‘સંપૂર્ણ પોષણ એક સંકલ્પ’ કાર્યક્રમ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

પોષણ મેળો, મમતા દિવસ, ગોદ ભરાઈ, અન્નપ્રાશન, વાનગી નિદર્શન, ન્યુટ્રી ગાર્ડન જેવા કાર્યક્રમો યોજાયા

(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે): આહવા: તા: ૫: દેશ સમસ્તમાં ઉજવાઈ રહેલા ‘સંકલ્પ સપ્તાહ’ ના કાર્યક્રમો પૈકીનો બીજા દિવસનો ‘સંપૂર્ણ પોષણ – એક સંકલ્પ’ વિષયક કાર્યક્રમ, ડાંગ જિલ્લાના એકમાત્ર ‘એસ્પિરેશનલ બ્લોક’ સુબિર ખાતે યોજાઈ ગયો.

કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના ICDS વિભાગ દ્વારા ‘સુપોષિત પરિવાર – પોષણ મેળા’નું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતનાં સભ્યો, સરપંચો, ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહયા હતા.

દરમિયાન ICDS વિભાગ અને તાલુકા કક્ષાની ટિમ દ્વારા તાલુકાના કુલ ૧૩૩ આંગણવાડી કેન્દ્રો ખાતે થીમ અનુસારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાળકોનાં વજન અને ઉંચાઇની નોંધણી, અતિકુપોષિત બાળકોનાં વાલીને ગ્રોથચાર્ટના માધ્યમથી સાચી સમજ આપવા સાથે, તેઓનાં આરોગ્ય અને પોષણ વિશે રાખવાની કાળજી બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાળકો ઉપરાંત સગર્ભા બહેનાના વજન, અને ઉંચાઇ કરવા સાથે, ૧૮ જેટલા સ્થળોએ મમતા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. તો આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા બહેનોની ‘ગોદ ભરાઇ’ નો કાર્યક્રમ પણ યોજાયો હતો. દરમિયાન સગર્ભા બહેનોને આરોગ્ય અને પોષણ વિષયક માર્ગદર્શન આપવા સાથે મમતા કાર્ડ વિશેની અગત્યતા પણ સમજાવવામાં આવી હતી.૬ માસ પૂર્ણ કરનારા બાળકોને અન્નપ્રાશન કરાવવા સાથે તેમને નિયમિત ઉપરી આહાર, તેમાં વિવિઘતા તથા અવનવી વાનગીઓ વિશે સમજ પુરી પાડવામાં આવી હતી.

સાથે THR (ટેક હોમ રાશન) માંથી બનતી વિવિઘ વાનગીઓનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કેન્દ્રો ખાતે આપવામાં આવતા બાલશકિત+ , માતૃશકિત+ નો નિયમિત ઉપયોગ તેમજ તેના ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે કુલ ૨૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ન્યુટ્રી ગાર્ડન બનાવી, તેમાં અલગ અલગ રોપાઓ જેવા કે સરગવો, જમરૂખ, આમળા વિગેરેનો ઉછેર કરી, તેમાંથી મળતા પોષણ તત્વો વિશે માહિતગાર કરી, અને તેનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રોમાં આવતા લાભાર્થીઓ માટે કરવાનો અનુરોધ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ‘સંકલ્પ સપ્તાહ’ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP) ના અસરકારક અમલીકરણ સાથે સંકળાયેલો કાર્યક્રમ છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની સફળતા બાદ દેશના સર્વાંગી વિકાસ, સર્વસ્પર્શી વિકાસ, અને સર્વ હિતકારી વિકાસ માટે પાયાના સ્તરે પરિવર્તન સાથે આગળ વધી, નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તરે વહીવટમાં સુધારો કરવાના ધ્યેય સાથે, દેશના ૩૨૯ જિલ્લાઓના ૫૦૦ જેટલા મહત્વાકાંક્ષી બ્લોકમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામને અમલમાં મૂકવા અને અસરકારક બ્લોક વિકાસ વ્યૂહરચના તૈયાર કરવા માટે સમગ્ર દેશમાં ગ્રામ્ય અને બ્લોક સ્તરે મંથન શિબિરોનું પણ આયોજન કરાયું હતું. જેના પરિપાકરૂપે ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અમલમાં આવ્યો છે.

Share this Article
Leave a comment