રાજપીપળા સેશન્સ કોર્ટે 50,000 ની લાંચના કેસમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેના બે મળતીયાઓને સજા ફટકારી
બે આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને 5,000 નો દંડ તેમજ એક આરોપીને બે વર્ષની સાદી કેદ તથા 5,000 નો કોર્ટે દંડ ફટકારતા લાંચિયા બાબુઓમા ફફડાટ
(સાજીદ સૈયદ, નર્મદા)
નર્મદા એસીબી દ્વારા વર્ષ 2014માં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેના બે સાગરીતો 50000 ની લાંચના કેસમાં ઝડપી પાડ્યા હતા, જેમાં ફરિયાદીની રેતી ભરેલી ટ્રક છોડવા માટે આરોપીઓએ રૂપિયા 50000 ની લાંચની માંગ કરી હતી, જે કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે બે આરોપીઓને એક એક વર્ષની સાદી કેદ તેમજ એક આરોપીને બે વર્ષની સાદી કેદ અને 5,000 રૂપિયા દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ ફરિયાદી કિશોરભાઈ વલ્લભભાઈ વણપરીયાનાઓની બે ટ્રકો બોડેલીની ઓરસંગ નદીમાંથી રેતી ફરી સુરત ખાતે જઈ રહી હતી, ત્યારે ટ્રકમાં રેતી ઓવરલોડ ભરેલી હોય રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાગર જીતેન્દ્રભાઈ પંડ્યાએ બંને ટ્રકો પકડી આર.ટી.ઓ. ઓફિસ ખાતે બહાર પાર્ક કરાવી દીધી હતી, જેની ટ્રક ડ્રાઈવરો દ્વારા ફરિયાદી માલિકને જાણ થતા તેઓ રાજપીપળા ખાતે આવી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાગર જીતેન્દ્રભાઈ પંડ્યા સાથે વાતચીત કરતા તેમણે બારોબાર ટ્રક છોડવા માટે રૂપિયા 50,000 ની લાંચની માંગ કરી હતી
લાંચની રકમ ઓછી કરવા ફરિયાદી આરોપી સાથે રક ઝક કરી હતી, પરંતુ આરોપીએ લાંચની રકમ ઓછી ના કરતા ફરિયાદીએ નર્મદા એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, નર્મદા એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભેંસાણીયા તેજ દિવસે છટકું ગોઠવી આરોપી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાગર જીતેન્દ્રભાઈ પંડ્યા રહે. કામધેનુ સોસાયટી, નિઝામપુરા વડોદરા મૂળ રહે. ગામ ઝરીયાણા તા.જી. ડુંગરપુર (રાજસ્થાન), તેમજ પ્રીતમભાઈ નગીનભાઈ પરમાર, તથા ચિરાગ લક્ષ્મણભાઈ વણકર બંને રહે. રોહિતવાસ હાઉસિંગ બોર્ડ પાછળ રાજપીપળા નાઓને લાંચના પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
આ કેસ રાજપીપળા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એન.આર. જોશીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.જે. ગોહિલ દલીલો અને પુરાવા તેમજ એફ.એસ.એલ. રિપોર્ટ અને મૌખિક પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-7 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી આરોપી સાગર જીતેન્દ્રભાઈ પંડ્યા, તથા ચિરાગ લક્ષ્મણભાઈ વણકરને એક વર્ષની સાદી અને પાંચ પાંચ હજારનો દંડ, તથા આરોપી પ્રીતમ નગીનભાઈ પરમારને બે વર્ષની સાદી કેદ અને 5,000 ના દંડનો હુકમ કરતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.