નવરાત્રિ પર્વના પ્રથમ દિને નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી વિભાગની સગર્ભા બહેનો, પ્રસુતા માતાઓ-નવજાત બાળકોને ૧૦૦ જેટલી હાઈજેનિક કીટનું વિતરણ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

*ઈન્ડિયન મેડિકલ એસો.ના જનરલ સેક્રેટરી ડો.અનિલ નાયકના માતૃશ્રી તરફથી નવી સિવિલને ૧૦૦ હાઈજેનિક કીટ અર્પણ*

સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલે દર્દીઓ, સિવિલ સ્ટાફગણ, નર્સિંગ વિદ્યાર્થીઓને નવરાત્રિના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી

આજ સુધીમાં નવી સિવિલમાં નવજાત બાળકો માટેની કુલ ૨૭૦૦ કીટ અર્પણ કરવામાં આવી: નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા

સુરતઃસોમવારઃ નવરાત્રિના પાવન પર્વના પ્રથમ નોરતે ઈન્ડિયન મેડિકલ એસો.ના નેશનલ જનરલ સેક્રેટરી ડો.અનિલ નાયકના માતૃશ્રી તરફથી નવી સિવિલના સ્ત્રી વિભાગની સગર્ભા બહેનો, પ્રસુતા માતાઓ-નવજાત બાળકોને ૧૦૦ હાઈજેનિક કીટ અર્પણ કરવામાં આવી હતી. છ માસ ચાલે તેટલા કોપરેલ તેલ, ટુથપેસ્ટ, ન્હાવા અને કપડા ધોવાના સાબુ, સેનેટરી પેડ, સેનેટરી નેપ્કીન, કાંસકો જેવી માતા અને નવજાત બાળકોને ઉપયોગી બને તેવી ચીજવસ્તુઓની આ કીટોને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલના હસ્તે ગાયનેક વોર્ડમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી પરેશભાઈ પટેલે ગાયનેક વોર્ડમાં દાખલ પ્રસુતા માતાઓની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા, ખાસ કરીને આજે પ્રથમ નોરતે જન્મેલી દીકરીઓની માતાઓને વિશેષ અભિનંદન પાઠવી આ નવજાત બાળકીઓ જગદંબા અને મા લક્ષ્મીનું સ્વરૂપ હોવાનું જણાવી આજના પ્રથમ નોરતે લક્ષ્મીસ્વરૂપા દીકરીઓ અવતરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દર્દીઓ, સિવિલ સ્ટાફગણ, નર્સિંગ વિદ્યાર્થીઓને નવરાત્રિના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
હાઈજેનિક કીટ અર્પણના આ સેવાકાર્યની પ્રેરણા આપનાર ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સુરત નવી સિવિલના વિવિધ વોર્ડમાં જરૂરિયાતમંદ દર્દીઓ, પ્રસુતાઓ, સગર્ભા-ધાત્રી માતાઓને અવારનવાર જન્મદિન, ખુશીના પ્રસંગો, મૃત્યુતિથી નિમિત્તે સમાજસેવકો, અગ્રણીઓ પૌષ્ટિક આહારની પોષણ કીટ, નવજાત બાળ કીટ, ફળો વગેરે અર્પણ કરીને સેવાપ્રવૃત્તિ કરવામાં આવે છે. જેનાથી દર્દીઓનો ખર્ચથી રાહત મળે છે, દર્દીઓનો ઉત્સાહ વધવા સાથે દાતાઓને સેવાભાવના સાથેનો સંતોષ પ્રાપ્ત થાય છે.
શ્રી કડીવાલાએ કહ્યું કે, અત્યાર સુધીમાં સિવિલમાં નવજાત બાળકો માટેની ૨૭૦૦ કીટ અર્પણ કરવામાં આવી છે. ઘણા જાગૃત્ત સમાજસેવકો, યુવાનો પોતાના જન્મદિનની ખર્ચાળ ઉજવણી ન કરતા નવી સિવિલમાં આવીને પોષણ કીટ કે દર્દીઓને સહાયરૂપ થાય એવી ચીજવસ્તુઓ-ઉપકરણો ભેટ આપી સેવાભાવનો અનોખો સંતોષ મેળવે છે.
આજના પ્રથમ નોરતે નવી સિવિલમાં ૩૨ પ્રસુતિઓ થઈ છે, જેમાં ૩૦ નોર્મલ ડિલીવરી છે. તમામ ૩૨ નવજાત બાળકો તંદુરસ્ત છે એમ શ્રી કડીવાલાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, ગાયનેક ડો.સરલ ભાટિયા, હેડ નર્સ કલાબેન, નર્સિંગ એસો.ના સેક્રેટરીશ્રી કિરણભાઈ દોમડીયા, નિલેશભાઈ લાઠિયા સહિત તબીબી સ્ટાફ, નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-

Share this Article
Leave a comment