(સાજીદ સૈયદ, નર્મદા)
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામ નજીક તા. 14 ઓક્ટોબરના રોજ વહેલી સવારે રાજપીપળા તરફથી પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી બોરના હેન્ડપંપમાંથી પાણી ભરી રહેલા ટ્રક ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે અંગે રાજપીપળા ટાઉન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામમાં રહેતા વિપિન નારણભાઈ બારીયા ફરિયાદી કમલેશ ગુરૂભાઈ બારીયા સાથે ટ્રક નં. GJ.34.T.2395 માં પીવીસી પાઈપ ભરી વાપી ખાતે ચાલતી સાઇડ ઉપર ખાલી કરવા ગયા હતા. પાઇપો ખાલી કરી બોડેલી ખાતે પરત ઘરે જતા હતા ત્યારે તા. 14 ઓક્ટોબર ના રોજ સવારના 5:00 વાગ્યાના સુમારે નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામ નજીક પોતાની ટ્રક રોડની સાઈડમાં ઊભી રાખી બોરના હેન્ડપંપમાંથી પાણી ભરી રહ્યા હતા, ત્યારે, રાજપીપળા તરફથી પૂર ઝડપે આવી રહેલી ટાટા કંપનીની ઈન્ડિકા વિસ્ટા કાર નં. GJ.21.AA.2104 ના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દઇ વિપિન નારણભાઈ બારીયાને અડફેટે લીધા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું.
આ અંગે કમલેશ ગુરુભાઈ બારીયાની ફરિયાદના આધારે રાજપીપળા ટાઉન પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.