સુરત ખાતે સી.આર પાટીલ ના હસ્તે ખેસ ધારણ કર્યો
(સાજીદ સૈયદ, રાજપીપળા)
રાજનીતિમાં કોઈપણ કાયમી શત્રુ કે કાયમી મિત્ર નથી હોતો એવી વાયકા વર્ષોથી છે અને આ વાયકા ફરી એકવાર સાચી પડી છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ આખરે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.
કોંગ્રેસના હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે એવી અંદર ખાને ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી, ભરૂચ ના સાંસદ મનસુખભાઇ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા છે, કે ડેડીયાપડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને કોંગ્રેસ ના પરદેશ મહા મંત્રી હરેશભાઇ ભાજપ મા જોડાવા માંગે છે. પરંતુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું.
ત્યારે આજે 16 સપ્ટેમ્બર 2023 ના રોજ સુરત ખાતે સી.આર પાટીલ હસ્તે પાર્ટી નો ખેસ ધારણ કરી કોંગ્રેસના હરેશ વસાવા હવે ભાજપના હરેશ વસાવા બની ગયા છે તેમણે સુરત જઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં અને નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની હાજરીમાં અને પોતાના પિતા જયંતીભાઈ વસાવાની સાથે તેમણે ભાજપનું ખેસ ધારણ કરી લીધો છે અને કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે..
સાથે સાથે એવી પણ જાણકારી મળી રહી છે, કે નર્મદા જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અજય વસાવા અને મહા મંત્રી મેહુલ પરમારે પણ પોતાના રાજીનામાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યા હોવાનું જાણવા મળે છે…