ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૧ અંતર્ગત કૃષિ કાર્યક્રમ

adminpoladgujarat
adminpoladgujarat
5 Min Read

દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા ડાંગ જિલ્લાના ખેડૂતો ઉપર દેશના ખેડૂતોની આશાભરી નજર

આહવા : તા, ૧૬: ડાંગના ખેડૂતો દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા તૈયાર કરાતા ‘છાણિયા ખાતર’નુ સાચુ મૂલ્ય સમજી, તેનુ બહારના ખેડૂતોને વેચાણ નહી કરતા, પોતાના ખેતરમા જ તેનો ઉપયોગ કરે તેવી હિમાયત, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે કરી છે.

રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખેત ઉત્પાદનોથી માનવ શરીરમા પ્રવેશી ગયેલા અસાધ્ય રોગોથી સમગ્ર માનવ જાતને ઉગારવા, બચાવવાની જવાબદારી જગતના તાત ની છે, તેમ જણાવતા પ્રમુખશ્રીએ સાપુતારા ખાતે, દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકેનુ બહુમાન, જ્યારે ડાંગને પ્રાપ્ત થયુ છે ત્યારે, અહીના ધરતીપુત્રોની જવાબદારી પણ વધી જાય છે તેમ જણાવ્યુ હતુ.

પ્રિ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૨૧ અંતર્ગત આણંદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના પ્રાકૃતિક કૃષિ અંગેના કાર્યક્રમ દરમિયાન, ડાંગના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા શ્રી મંગળભાઈ ગાવિતે, ડાંગના ખેડૂતોની પરંપરાગત ખેત પદ્ધતિને પુનઃજિવીત કરવાનો સમય પાકી ગયો છે તેમ પણ આ વેળા જણાવ્યુ હતુ.
ડાંગના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તરફ ગુજરાત, અને સમગ્ર દેશ સહિત વિશ્વની નજર પડી ચુકી છે. ત્યારે સૌના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ જણાવતા, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ રાષ્ટ્રીય કૃષિ સંમેલનની રૂપરેખા આપી, પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ની વિગતો આપી હતી.
ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકૂલ ખાતે યોજાયેલા ડાંગ જિલ્લાના કાર્યક્રમમા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, ડાંગના ખેડૂતો માટે આ ગૌરવની બાબત છે તેમ જણાવી, દેશના ખેડૂતોને દિશા બતાવવાનુ કાર્ય પણ ડાંગના ખેડૂતોએ કર્યુ છે તેમ જણાવ્યુ હતુ.
એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત આણંદ ખાતે આયોજિત નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગના કાર્યક્રમ સંદર્ભે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ મહાનુભાવો તથા ઉપસ્થિત ખેડૂતોએ નિહાળ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે ગત તા.૧૯મી નવેમ્બરે ગુજરાતના રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાને દેશનો સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરીને, અહીના સો ટકા ખેડૂતોને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી માટે પ્રેરિત કર્યા છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કૃષિ સહાય સાથે પ્રાકૃતિક કૃષિ પ્રમાણિકરણ, બ્રાન્ડિંગ અને સર્ટિફિકેશન, તથા ગાય નિભાવ ખર્ચમા સહાયની વિવિધ યોજનાઓ પણ કાર્યરત છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા દેશના પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા ડાંગ જિલ્લાના ૧૧,૭૦૦ ખેડૂતોને કૃષિ ક્ષેત્રના તજજ્ઞો એવા ૪૮ જેટલા સફળ પ્રાકૃતિક કૃષકોના માધ્યમ થી ૨૧૪ જેટલી પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવામા આવી છે.
આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટેની નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના અંતર્ગત ikhedut પોર્ટલ ઉપર મળેલી કુલ ૧૬,૦૧૫ અરજીઓ પૈકી ૧૨,૫૨૭ ખેડૂતોને કુલ રૂ.૬૫૦ લાખની સહાય ખરીફ સિઝનમા ચુકવવામા આવી છે. આ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેત ઉત્પાદનમા શરૂઆતમા ઘટ આવતા તેને આર્થિક નુકશાનીના વળતર પેટે પ્રતિ હેક્ટર રૂ.૫ હજારની સહાય ખરીફ અને રવિ સિઝનમા આપવામા આવે છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અધિકૃત ઓળખ આપવાની પ્રાકૃતિક કૃષિ પ્રામાણિકરણ યોજના અંતર્ગત ખેડૂતો સાથે કરાર કરીને તેમની APEDA મા નોંધણી કરીને, GOPCA મારફતે તેમની ખેતીનુ ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવવામા આવે છે. જેથી પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદનાર વેપારીઓ, અને ગ્રાહકોમા વિશ્વાસનુ વાતાવરણ ઊભુ કરી શકાશે.
ડાંગની પ્રોડક્ટનુ ‘જૈવિક ભારત’ના લોગો સાથે માર્કેટમા વેચાણ સરળ બનતા અહીના પ્રાકૃતિક ખેત પેદાશોના ઊંચા ભાવ પણ ખેડૂતોને મળી રહેશે.
આ ઉપરાંત બ્રાન્ડિંગ અને સર્ટિફિકેશન માટે ‘આત્મનિર્ભર ભારત યોજના’ અંતર્ગત તાલુકાવાર ખેડૂત સંગઠનોની રચના કરીને, તેના માધ્યમથી  ખેડૂતોને કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યુનિટો, તથા વેચાણ કેન્દ્રો માટે બેંકલોન જેવી સહાય પૂરી પાડવામા આવી રહી છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો પાસે દેશી ગાય હોવુ અનિવાર્ય છે. આવી ગાયોના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ગાય દીઠ પ્રતિ માસ રૂ.૯૦૦/- ની આર્થિક સહાય આપવામા આવે છે. દેશી ગાયના ઉછેર સાથે તેના ગોબર અને ગૌમૂત્ર માથી બનતા ખાતરનો ઉપયોગ ડાંગના ૨૮૭૫ ખેડૂતો કરી રહ્યા છે. જેમને માર્ચ ૨૦૨૨ સુધીની રૂ.૪૭૮ લાખની સહાય ચૂકવવામા આવી છે.
૧૭૬૬ ચોરસ કિલોમીટરનો ભૌગોલિક વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામા ૬૦,૭૬૬ હેક્ટર વિસ્તારમા ખેતી થાય છે. અહી અંદાજીત ૨૨ હજાર ઘરોના સંયુક્ત પરિવારોના ૫૪,૭૭૫ ખેડૂતો નોંધાયેલા છે. જેમના દ્વારા માત્ર ૧૨૦૦ ટન જેટલા નહિવત રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે. જ્યારે જંતુનાશક દવાઓ માત્ર ૫૦૦ હેક્ટર જેટલા વિસ્તારમા થતા શાકભાજીના રોકડિયા પાકોમા કરવામા આવે છે.
આ રાસાયણિક ખાતર, અને જંતુનાશક દવાઓનો વપરાશ પણ ક્રમશઃ ઘટાડીને, અહી સો ટકા પ્રાકૃતિક ખેતી થાય તેવા રાજ્ય સરકારના પ્રયત્નો છે.
સાપુતારા ખાતે યોજાયેલા કાર્યક્રમમા મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત ‘આત્મા’ના ડાયરેકટર શ્રી ચેતન ગરાસિયાએ કર્યુ હતુ. જ્યારે આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેતન મહાલાએ આટોપી હતી. કાર્યક્રમમા ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, ઇન્ચાર્જ ચીફ ઓફિસરશ્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘોષક તરીકે શ્રી સંદીપ પટેલે સેવા આપી હતી.

Share this Article
Leave a comment