(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૫: વન વિભાગમાં વર્ષો સુધી વન જતન અને સંવર્ધનની કામગીરી કરી, સેવા નિવૃત્ત થયેલા વન અધિકારીઓએ ડાંગના આંગણે ‘પોલ્યુશન ના સોલ્યુશન’ બાબતે સામુહિક ચિંતન કર્યું હતું.
તાજેતરમાં ડાંગ જિલ્લાના વઘઈ સ્થિત ‘કિલાદ કેમ્પ સાઇટ’ ખાતે એકત્ર થયેલા દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓએ અનોખી વન ચેતના જગાવી હતી.
આ ગૃપ દ્વારા વખતોવખત ભેગા મળી વન ચેતનાની જ્યોત ઝળહળતી રાખવામાં આવી રહી છે. વન ચેતના જગાવતા વિવિધ કાર્યક્રમો, સંવાદ અને પરિસંવાદ સાથે સ્નેહ મિલન યોજતા દક્ષિણ ગુજરાતના જુદા જુદા સ્થળોએ એકત્ર થતા આ પર્યાવરણ પ્રેમીઓ આ વખતે કિલાદ ખાતે એકત્ર થયા હતા.
સાંપ્રત સમયની સમસ્યા એવા ‘પોલ્યુશન ના સોલ્યુશન’ અંગે ચિંતન કરતા આ અધિકારીઓએ પોતાના અંગત અભિપ્રાયો અને વિચારોનુ આદાન પ્રદાન કરી, તેના નિરાકરણની દિશામાં કાર્યવાહી આરંભી હતી.
પર્યાવરણ જાગૃતિ અર્થે પ્રયત્નરત આ સેવા નિવૃત્ત વન અધિકારીઓમાં સર્વશ્રી પી.એસ.વળવી, આર.એસ.ગોસ્વામી, નાનસિંગ ચૌધરી, કે.બી.પટેલ, આર.એલ.પટેલ, પ્રતિક પંડ્યા વિગેરેએ ઉપસ્થિતિ નોંધાવી હતી. જેમને દક્ષિણ ડાંગ વન વિભાગના DCF શ્રી રવિ પ્રસાદ, ACF શ્રી નિલેશ પંડ્યા વિગેરેએ આવકાર્યા હતાં.
વઘઇના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દિલીપ રબારી, તેમજ તેમની ટિમે કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો.