રાજપીપળામાં તસ્કરોએ દિવાળી ઉજવી: મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી રૂ. 21 લાખની તસ્કરી
જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ હોવા છતાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ નથી. ?
(સાજીદ સૈયદ : નર્મદા)
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ની મુખ્ય પોસ્ટ ઓફિસ માંથી તસ્કરોએ ગેસ કટર વડે તિજોરી ને કાપી રૂ. 21 લાખ જેટલી રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં મચી જવા પામી છે.
નવરતભાઈ રામસિંગભાઈ કોલચા, ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર, હાલ રહે. કરજણ કોલોની, રાજપીપળા જી. નર્મદા મૂળ રહે. ઉધવલા, દેવગઢ બારીયા જી.દાહોદ નાઓ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ તેઓ શનિવારના રોજ સાંજના 7:30 કલાકે પોસ્ટ ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા જ્યારે રવિવારે કામ અર્થે ઓફિસ પર આવ્યા ત્યારે તેમણે જોયું કે, પાછલી બારીની ગ્રીલ કટરથી કાપી અજાણ્યા તસ્કરોએ પોસ્ટ ઓફિસની અંદર પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકેલી તિજોરીને ગેસ કટર વડે કાપી રૂપિયા 21 લાખ જેટલી માતબર રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા,
આ ચોરી અંગેની ફરિયાદ રાજપીપળા ટાઉન પોલીસ મથક નોંધાવતા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી તેમની ટીમ સાથે પોસ્ટ ઓફિસ ખાતે દોડી ગયા હતા, ઉક્ત ફરિયાદ અનુસંધાને રાજપીપળા પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઇપીસી 454, 457, 380 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ હોવા છતાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી તેમજ રાત્રે વોચમેનનો અભાવ જોવા મળ્યો હતો, અને આ બધું તસ્કરો જાણતા હોયને ચોરી કરવામાં તેમને અનુકૂળતા આવી હોય તેવું કહી શકાય.