ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે પોલીસ પણ તેની સાથે મળેલી છે !
મનસુખ વસાવા જે ભાષા બોલે છે તે બધાએ બોલવી પડશે તો જ સમાજ આગળ આવશે
(સાજીદ સૈયદ : નર્મદા)
ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ આક્રમક નિવેદનો આપવા સાથે વિવાદાસ્પદ નિવેદનો આપી ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ જાહેરમાં બળાપો કરે છે, ક્યારેક વિવાદિત નિવેદન કરે છે, તો ક્યારેક અધિકારીઓને ખખડાવતા દેખાય છે. પરંતુ રાજકારણમાં તેઓ ભાજપના એકમાત્ર એવા સાંસદ છે જેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે.
ત્યારે તેમણે ફરીથી નિવેદન આપ્યું કે, હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે અને પોલીસ તેની સાથે મળેલી છે. સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ઉમરાણ ગામે પુલના ખાતમુહૂર્ત પ્રસંગે ફરી ટકોર કરી કે, હું લોકસભામાં ટિકિટ મળે કે ના મળે ચિંતા નથી કરતો. ટિકિટ નહિ મળે તો સમાજ માટે વધારે તાકાતથી બોલીશ. ભગવાનને પ્રાર્થના કરું કે મને રાવણ જેવું ઘમંડ ના આપે, પરંતુ સાચું તોબોલીશ જ. દારૂ જુગાર ના અડ્ડા ચાલવાથી દેશનો વિકાસ નથી થવાનો. પોલીસના માણસો બુટલેગરો સાથે મળેલા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી દારૂને લઇ નિવેદન આપ્યું હતું કે, દારૂથી આદિવાસી સમાજની બરબાદી થવાની છે. સમાજ સુધરવો જોઈએ વ્યસન મુક્ત થવો જોઈએ.
સાત વર્ષ પહેલા મેં ચિત્રોલ ગામમાંથી ૩ કરોડનો દારૂ પકડ્યો હતો. હું ખુલ્લેઆમ કહું છું દિનેશ બુટલેગર છે, પોલીસના કેટલાક લોકો તેની સાથે મળેલા છે. જો ભાઈ એક વાત સમજી લેજો આ દૂષણને ડામવા માટે આવું બોલવું પડે. મનસુખ વસાવા જે બોલે છે, તે ભાષા બધાએ બોલવી પડશે. તો જ સમાજ આગળ આવશે. તેમણે આગળ વાત કરતા કહ્યું કે, ઘણી જગ્યાએ દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓ રણચંડી બને છે. અહીં પણ જો એવું હોય તો મારો સંપર્ક કરજો હું તમારી સાથે છું.
પાણીના બોર બનાવવા વચેટીયાઓ પૈસા ખાઈ જાય છે, તો બોર કેવા બને લાંબો સમય ન ચાલે તેવા બને, પુલનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ચૈતર વસાવાએ જે ફરિયાદ કરી છે તેવું અહીં ના બનવું જોઈએ તેવી ટકોર આર.એન્ડ બી.ના અધિકારીઓને તેમણે કરી હતી. એજન્સી ગમે તે હોય પણ કામ સારું થવું જોઈએ બાકી ખબર છે ને હું કેવો માણસ છું. કરજણના મામલતદારને પૂછી જોજો મારા વિશે આ સાથે ડેડીયાપાડા તાલુકા પંચાયતના નવા પ્રમુખને તેમણે કહ્યું કે, ટકાવારી વાળાને સાઈડ પર કરી દેવાના ડરવાની કોઈ જરૂર નથી. મનસુખ વસાવા તેમના આજના આવા નિવેદનોથી ફરી એકવાર ચર્ચામાં છે.