ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલોને કારણે લોકોના ટાયરો ફાટી જઈ અકસ્માતની ભીતિ, રોડ સમતોલ કરવા માંગ ઉઠી
(સાજીદ સૈયદ : નર્મદા)
ગુજરાતમાં અને ડેડીયાપાડામાં આ વર્ષે વરસાદની તો વધુ થયો જ નથી છતા પણ સામાન્ય વરસાદે ભલભલા ભ્રષ્ટાચારીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે. જેમાં મોવીનો રોડના કામમાં વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે
જેમાં ડેડીયાપાડાથી મોવી (રાજપીપળા) જતા માર્ગ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને પૂરવા માટે સ્ટેટ આર.એન્ડ.બી. ના સત્તાવાળા ઓ દ્વારા આ ખાડા પુરાવા મેટલ નાખવામાં આવ્યા હતા, જેના ઉપર રોલર ફેરવવામાં ન આવતા આ રોડ ઉપરના મેટલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. ખુલ્લે આમ રસ્તા ઉપર વિખરાયેલા મેટલોને કારણે ટુ વ્હીલર, ફોરવીલર, કે પછી હેવી ગાડીઓના ટાયરો ફૂટવાની ઘટના રોજ બની રહી છે. જેના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે સ્પીડમાં જતી ગાડી અચાનક ટાયર ફાટે તો આજુબાજુ વાળાને પણ નુકસાન થાય છે, અને આ ચોમાસામાં સંખ્યાબંધ અકસ્માત આ રોડ પર થવા છતાં પણ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે સ્ટેટ આર. એન્ડ બીના ભ્રષ્ટ અધિકારીઓને સહેજ પણ દેખાતું નથી.
આ રોડ પર આવતા નેતાઓને પણ આ રોડ દેખાતો નથી જેથી સાગબારાના ડેડીયાપાડાથી જિલ્લા કક્ષાએ જતા આવતા લોકો અને રોજીંદુ અપડાઉન કરતા લોકો સહિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ આ રોડ પર આવતા જ ત્રાહિમામ પોકારી જાય છે, ત્યારે મોવી ડેડીયાપાડા રોડ બનાવનાર અને તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કદાચ લોકોને ફરજ પડશે તેવું લાગી રહ્યું છે
ડેડીયાપાડાથી મોવી જતો 17 કિલોમીટરનો રસ્તાના આ કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાથી અથવા તો, નીચલી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાથી પહેલાજ વરસાદમાં રોડ પર મસ મોટા ખાડા પડી ગયા હતા, તે ઉપરાંત રોડની સાઈડની સાઈડ સોલ્ડરિંગ પણ યોગ્ય રીતે ના કરતા આ રોડ સંપૂર્ણ બિસ્માર બન્યો છે.
અને રોડ ઉપર ઠેર ઠેર ખાડા પુરવાના મેટલો રસ્તા ઉપર બિનવારસી હાલતમાં વિખરાઈને પડ્યા છે, જેનાથી ફોર વ્હીલ ગાડી તો શું ટુ વ્હીલર ચાલક પણ પોતાની ગાડી ચલાવી નથી શકતો નથી કરી, ત્યારે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે, આટલા બધા રૂપિયા વાપર્યા છતાં પણ રસ્તો કોના પાપે તૂટી જાય છે ? અથવા રોડ પર ખાડા કેમ પડી જાય છે.? અને આ પછીની કામગીરી પણ વેઠ ઉતારવા સમાન જ છે જેમાં ખાડા પૂરવા જે મોટા મોટા કપચા પાથરી દેવામાં આવે છે તેના કારણે નાની મોટી તમામ ગાડીઓના પંચર પડવાના બનાવો બને છે જેથી આ રોડ બનાવનાર એજન્સી ફરીથી રોડ બનાવે તેવી માંગ ઉઠી રહી છે.