સુરતઃમંગળવારઃ- કોરોના વાયરસ મોટી ઉંમરના વડીલો માટે જોખમી હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ખાસ સાવચેતી રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવે છે. આમછતાં વડીલો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સુરતના ૬૫ વર્ષીય કેશવભાઈ લિમ્બાચિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમની હિંમત અને તબીબોના સારવાર થકી કોરોનાને હરાવ્યો છે.
સ્મીમેરના રેસિડેન્ટ ડો. હાર્વી પરિખે જણાવ્યું હતું કે, સ્મીમેરમાં આવ્યાં ત્યારે કેશવભાઈને ડાયાબિટીસ અને પ્રેસરની બિમારીની સાથે શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી. ૨૦ ઓગસ્ટે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા અને તેમનું ઓક્સિજન લેવલ ૬૦ ટકા રહેતું એટલે કોવિડ આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. ૧૩ દિવસ વેન્ટીલેટર પર રહ્યા બાદ તબીયતમાં સુધાર આવ્યો.
કેશવભાઇ સારવાર દરમિયાન પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન કરાયું. ૨ સપ્ટેમ્બરે ૫ લીટર ઓક્સિજન પર જનરલ વોર્ડમાં શિફ્ટ કરીને ઓક્સિજન સપોર્ટની મદદથી તેમના શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરાયો. ૭ દિવસ ઓક્સિજન પર રહ્યા બાદ બે દિવસથી નોર્મલ રૂમ એર મોનિટરીંગ કરી કેશવભાઈને તા.૯ સપ્ટેમ્બરે રજા આપવામાં આવી છે.
મૂળ મહેસાણાના ઉમતા ગામના વતની અને હાલ અડાજણ એસએમસી ક્વાર્ટરમાં રહેતા કેશવભાઈના પત્નીએ ખુશી અને સ્મીમેરના સ્ટાફની સરાહના કરતા તેમણે કહ્યું કે, ઘર પરિવારની જેમ ડોક્ટરો અને નર્સ સ્ટાફે સંભાળ રાખી હતી. દરરોજની સ્થિતિની જાણકારી મળતી.
કેશવભાઈની સંપૂર્ણ સારવાર સ્મીમેરના સિનિયર રેસીડન્ટ ડો. નિમિષા ગ્રામણી અને ડો. હિમાશું પંચાલના માર્ગદર્શન હેઠળ તથા રેસિડેન્ટ ડો. હાર્વી પરિખ સહિત તમામ નર્સિંગ સ્ટાફના સહકારથી ડાયાબિટીસ અને પ્રેસરની બીમારીથી પીડીત કેશવભાઈને કોરોનામુકત કરવા સફળતા મળી છે.
અન્ય ગંભીર રોગોમાં તેમજ કોરોનાના ક્રિટીકલ કેસોમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર આપી અનેક દર્દીઓના જીવન બચાવી શકાયા છે.
-000-
૬૫ વર્ષીય કેશવભાઈ ૧૩ દિવસ વેન્ટીલેટર પર રહી કોરોના સામે જીત્યા
Leave a comment
Leave a comment