સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત તથા ઓર્ગેનિક પ્રોડ્યૂસ એક્ષ્પેર્ટ ડેવલપમેંટ ઓથોરિટીના સહયોગથી અદાણી ફાઉન્ડેશન,હજીરા એકમ દ્વારા ચોર્યાસી તાલુકાના હજીરા કાંઠા વિસ્તારના રાજગિરી ગામે સખી મંડળની બહેનોને ઓર્ગેનિક ખેતી અને તેના સર્ટિફિકેશનની પ્રક્રિયા અંગે જાગૃત્તિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં રાજ્ય સરકારે જાહેર કરેલી ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો લાભ લઈ સખીમંડળો ઓર્ગેનિક ઉત્પાદનોથી વધારાની આવક મેળવી શકે છે, તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઓપીઇડીએના અધિકારીશ્રી પી.કે. ઘેવરિયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફાલ્ગુનીબેન તેમજ લતાબેને ઓર્ગેનિક ફાર્મિંગનું મહત્વ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા,
દસ્તાવેજોની જરૂરિયાત સમજાવી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ મહિલા ઉત્કર્ષ યોજનામાં ૧૦ મહિલાઓના સ્વસહાય જૂથ બનાવી રૂા.એક લાખ સુધીનું બેંક ધિરાણ મેળવીને સ્વરોજગાર પ્રવૃત્તિ કરી શકાય છે એની વિગતો આપવામાં આવી હતી.
મંદરોઈ ગામના મહિલા ઓર્ગેનિક કિસાન લતાબહેને આ ખેતીના પોતાના અનુભવો વર્ણવ્યા હતાં. શિબિરમાં ૫૦ મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનુ સંકલન અદાણી ફાઉન્ડેશન-હજીરા એકમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.