તાપી જિલ્લાના ડોસવાડા માં મજૂરી કરવા ગયેલી કોઈપણ મહિલાઓની અટક કરવામાં આવી નથી.
વ્યારા– તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે તા.૩૦/૧૧/૨૦૨૦ ના રોજ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ કાંતીભાઈ ગામીતની દિકરીની સગાઈ,તુલસીવિવાહ,રાસગરબા પ્રસંગને અનુસંધાને તાપી જિલ્લા પલીસ વડા સુ.શ્રી સુજાતા મજમુદારે (IPS) વિગતો આપતા જણાવ્યું હતું કે આ બનાવ સંદર્ભે સોનગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૦૧૦૮૪/૨૦૨૦ ઈ.પી.કો.કલમ-૧૮૮,૨૬૯,૨૭૦,૩૦૮ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ-૫૧ (બી) તથા એપેડેમીક એક્ટની કલમ-૩ મુજબનો ગુન્હો તા.૦૧/૦૧/૨૦૨૦ ના રોજ ક.૧૬/૩૦ વાગ્યે દાખલ થયેલ છે.
ખરેખર આજદિન સુધી આ ગુનાના કામે કોઈપણ મહિલાની અટક કરવામાં આવી નથી. તેમજ રોટલી બનાવવા માટે મજૂરી કામે ગયેલી મહિલાને પણ આ ગુનાના કામે આરોપી તરીકે અટક કરવામાં આવેલ નથી.વધુમાં આ ગુનામાં માત્ર આદિવાસી સમાજના લોકોને જ પકડવામાં આવ્યા નથી પરંતુ અન્ય સમાજના લોકોને પણ અટક કરેલ છે. તથા આરોપીઓને જામીન આપવાની સત્તા માત્ર નામદાર કોર્ટને છે.
તપાસ દરમિયાન એ સ્પ્ષ્ટ થયેલ છે કે , લગ્નમાં ગયેલ હેડ કોન્સ્ટેબલ કે જેઓ રજા ઉપર હતા,કે જેઓ પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. અને તેઓ બંને કાયદાના જાણકાર હતા તેમજ એલ.આઈ.બી.જેવી અગત્યની શાખામાં શ્રી સી.કે.ચૌધરી,પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હોવા છતા તેઓએ કોઈ ઉપરી અધિકારીને કે થાણા ઈન્ચાર્જને જાણ કરેલ નથી. જો જાણ કરી હોત તો આ કાર્યક્રમ અટકાવી શકાયો હોત. તેમ છતા એક જવાબદાર પોલીસ અધિકારી/કર્મચારી એમ બંનેએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.જેથી પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.જેમાં કોઈ મહિલાને આરોપી તરીકે અટક કરવામાં આવેલ નથી. આમ માત્ર આદિવાસી સમાજ જ નહીં પરંતુ બનાવમાં સામેલ તમામ લોકો સામે નિષ્પક્ષ ભાવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.