બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા
માહિતી બ્યુરો વ્યારા:- વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો બે વર્ષ અગાઉ તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત સામાજીક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ મુજબ નિયત માપદંડ ધરાવતા પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી કેશલેશ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આ યોજનાનો લાભ સમગ્ર પરીવારને મળવાપાત્ર છે. તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૪ જેટલી હોસ્પિટલો જોડાયેલ છે. તાપી જિલ્લામાં બે વર્ષમાં ૨૦,૫૭૩ લોકોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્ય યોજનાના તમામ લાભાર્થી પરિવારોને વર્ષિક ૫ લાખ સુધીની કેશલેશ સારવાર યોજના સાથે જોડાયેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળવા પાત્ર છે.
રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્ય યોજના અંતર્ગત દરેક લાભાર્થી પરીવારને ૦૧/૦૩/૨૦૧૯ થી આયુષ્માન ભારત યોજના જેટલો જ સરખો લાભ આપવાનું નક્કી કરેલ છે. જેથી “મા” અને “મા વાતસલ્ય” યોજનાના તમામ લાભાર્થીઓને પણ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવાપાત્ર છે. જો કોઇ પરીવારનો સમાવેશ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ન થતો હોય અને વાર્ષિક ૪ લાખ કે ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો, આશા વર્કર બહેનો અને તેમના પરિવારજનો, પત્રકારો અને તેમના પરિવારજનો, વાર્ષિક ૬ લાખ સુધીની આવક ધરાવતા સીનીયર સીટીઝનો અને રાજય સરકારના સીધી ભરતીથી આવેલ વર્ગ ૩ અને ૪ ના ફીક્ષ પગારના કર્મચારીઓ અને તેમના પરીવારજનોને મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્ય યોજનાનો લાભ (કાર્ડ) મળવાપાત્ર છે. જેમાં ડોકટરની તપાસ ફી, રીપોર્ટ, ઓપરેશન ચાર્જ, દવાઓ, આવવા જવાનુ ભાડુ (૩૦૦ રૂપીયા) વગેરેનો સમાવેશ થાય છે. લાભાર્થીએ કોઈ ચાર્જ ચુકવવાને રહેતો નથી આ યોજના સપૂર્ણપણે કેશલેશ છે.
તાપી જિલ્લામાં કુલ ૧,૦૭,૪૩૦ પરિવારોના ૪,૬૨,૧૫૭ લાભાર્થીઓનો આ યોજના અંતર્ગત સમાવેશ થાય છે. હાલ ૧,૬૭,૭૬૩ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બની ગયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પરિવારનું નામ યોજનાના લાભાર્થીની યાદીમાં હોવુ આવાશ્યક છે. જેના પરથી જ લાભાર્થીનુગોલ્ડન કાર્ડ બનાવી સારવારનો લાભ લઈ શકાય છે. જો કોઈ લાભાર્થીનું નામ “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત નથી તો તેવા પરીવારને વર્તમાન પરીસ્થિત પ્રમાણે લાભ મળી શકતો નથી પરંતુ તે લાભાર્થી “મા” યોજના અથવા “મા વાતસલ્ય” યોજનાનો લાભ સરકારશ્રીના નિયમ મુજબ લઈ શકે છે. યોજનામાં નામ છે કે નહિ તે જાણવા માટે mera pmjay.gov.in પર સર્ચ કરી જાણી શકાય છે. અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ દ્વારા જાણી શકાય છે. આ કાર્ડ યોજના સાથે જોડાયેલ તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલો, કોમન સર્વિસ સેન્ટર, મંજુરી પ્રાપ્ત ઈ-ગ્રામ સેન્ટર પર જઈ ડોક્યુમેન્ટની ખારાઈ થયા બાદ તેનું અપ્રુવ થયા બાદ ઈ-કાર્ડ મેળવી શકે છે. જે કાર્ડ બનાવવા માટે ઈ-ગ્રામ સેન્ટર ખાતે રૂ.૧૨/- અને કોમન સર્વિસ સેન્ટર ખાતે રૂ.૩૦/- ચાર્જ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
તાપી જિલ્લામાં કુલ ૫૪ હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલ છે. જેમાં ૪૩ સરકારી તેમજ ૧૧ પ્રાઈવેટ હોસ્પિટલો જેવી કે, કાલીદાસ હોસ્પિટલ, જનક સ્મારક હોસ્પિટલ, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, સિધ્ધી વિનાયક હોસ્પિટલ, મહાવિર હોસ્પિટલ વગેરે હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલ છે. જેમા જઈ લાભાર્થી પરિવાર કોઈપણ સમયે યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. ઉપરાંત ગુજરાતમાં કુલ ૨૫૦૦ જેટલી હોસ્પિટલો જોડાયેલી છે. ઉપરાંત ભારતભરમાંથી યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં લાભાર્થી જરૂરી દસ્તાવેજો રજુ કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના તથા મુખ્યમંત્રી અમૃતમ અને વાતસલ્ય યોજનાનો લાભ એકસરખો જ છે. લાભાર્થી પરિવારને કોઈ એક જ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એક થી વધારે યોજનાનો લાભ મળવાપાત્ર નથી. આ યોજના વિશે વધુ જાણકારી માટે નજીકના સરકારી દવાખાને તથા યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ અથવા યોજનાના ટોલ ફ્રી નંબર ૧૦૪/૧૪૫૫૫/૧૮૦૦૨૩૩૧૦૨૨ પર સપર્ક કરી માહિતી મેળવી શકાશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.