ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

adminpoladgujarat
adminpoladgujarat
5 Min Read

આહવા: તા: ૧૯: ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા “કોરોના” સમય બાદ ફરી શરુ થયેલી એસ.ટી.બસની સુવિધાઓ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગ્રામ્ય માર્ગોના સુધારણાના કામો સમયસર શરુ થાય, અને નિયત સમય મર્યાદામા પૂર્ણ કરવા બાબતે પ્રશ્ન રજુ કરી તેના નિકાલની દિશામા કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી.
આ બાબતે ત્વરિત કાર્યવાહીની તાકીદ કરતા કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે પ્રજાહિતના કાર્યો કરવાની હિમાયત કરી હતી. અન્ય જિલ્લાઓનો વધારાનો હવાલો સંભાળતા અધિકારી, કર્મચારીઓને જે તે જિલ્લાઓમા તેમની ઉપસ્થિતિ બાબતે સાપ્તાહિક દિવસો નિયત કરવાની તાકીદ કરતા શ્રી ડામોરે સરકારી મિલકતો વિવેક્બુદ્ધીપુર્વક ઉપયોગ કરવાની પણ તાકીદ કરી હતી.

જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓને તેમના તાબા હેઠળના કર્મચારીઓની ફરજો, હક્કો, અને કામગીરીના નિયત લક્ષ્યાંકોની પુરતી બાબતે જવાબદારીઓ સુનિશ્ચિત કરવાની તાકીદ કરતા કલેકટર શ્રી એન.કે.ડામોરે નિયત ફરજો અને કામગીરી બાબતે સમય મર્યાદામા ગુણવત્તાલક્ષી કામગીરી કરવાની સુચના આપી હતી. જિલ્લા કક્ષાના અધિકારીઓ એવા કચેરીના વડાઓને ફરજીયાતપણે સંકલન સમિતિની બેઠકમા હાજર રહેવાની સુચના આપતા કલેકટરશ્રીએ કચેરી કાર્યપદ્ધતિ મુજબ તમામ કચેરીઓને તેમની કામગીરી હાથ ધરવાની હિમાયત કરી હતી.
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત મળેલી અરજીઓના નિકાલની કાર્યવાહી અંગે સુક્ષ્મ માર્ગદર્શન આપતા કલેકટર શ્રી ડામોરે આ બાબતે રેકર્ડ ઉપર ઉપલબ્ધ માહિતી નિયત સમય મર્યાદામા પૂરી પાડવા ઉપરાંત આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓની સંભવિત તાલીમ અંગેની વિગતો સત્વરે મોકલી આપવાની સુચના આપી હતી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓના નિકાલ બાબતે જાહેર માહિતી અધિકારીઓને ગંભીરતાપૂર્વક કાર્યવાહી હાથ ધરવા અંગે પણ તેમણે સુચના આપી હતી.
જિલ્લાની આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ વિગેરે માટે જમીનની ઉપલબ્ધતા બાબતે ચર્ચા કરતા કલેકટર શ્રી ડામોરે આ બાબતે ખુબ જ ચોકસાઈ સાથે વિગતો રજુ કરવાની તાકીદ કરી હતી. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગોને ખુબ જ તકેદારી સાથે પોતાના વિભાગોની યોજનાઓ, પ્રશ્નો, ચાલી રહેલી કામગીરીની વિગતો હાથવગી રાખવાની તાકીદ કરતા કલેકટરશ્રીએ જિલ્લાના ગામોમા ઘન કચરાના નિકાલની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ હિમાયત કરી હતી.
ગ્રામ્ય સ્તરે અમલી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ ઉપર ભાર મુકતા કલેકટરશ્રીએ સમય મર્યાદામા ગુણવત્તાલક્ષી કામગીરી હાથ ધરવાની પુનઃ સુચના આપી હતી. પોષણ અભિયાન અંતર્ગત જિલ્લાના બાળકો, માતાઓના પોષણ સ્તરને સુધારવા બાબતે વિશેષ કાર્યઆયોજન ઘડી કાઢવા પણ કલેકટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ સરકારી અસ્કયામતોની નોંધણી ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર ફરજીયાતપણે થાય તેની તકેદારી દાખવવા બાબતે પણ કલેકટરશ્રીએ ભાર મુક્યો હતો.
જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તેમના તાબા હેઠળના કર્મચારીઓની અદ્યતન વિગતો તૈયાર રાખવાની સુચના આપતા કલેકટરશ્રીએ સરકારી કર્મચારીઓને પંચ તરીકે રાખવાના રાજ્ય સરકારના ઠરાવની જોગવાઈઓનો ખ્યાલ આપી આ બાબતે ગંભીરતાપૂર્વક સોંપવામા આવતી જવાબદારીઓ અદા કરવાની હિમાયત કરી હતી.
“કોરોના” સામે સાવચેતી દાખવવા બાબતે માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ દરેક કચેરીઓમા ફરજીયાતપણે સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગની બાબતો સુનિશ્ચિત કરવાની પણ આ બેઠકમા તાકીદ કરી હતી.
જિલ્લાની શાળાઓના બાકી ઓરડાઓ બાબતે પુરક વિગતો રજુ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ સમય મર્યાદામા આ કામો પૂર્ણ કરવાની સુચના આપી હતી. રાજ્યકક્ષાએ સી.એમ. ડેશબોર્ડમા આ બાબતે મોનીટરીંગ થતુ હોય, વિશેષ તકેદારી દાખવવાની પણ તેમણે તાકીદ કરી હતી.
દરમિયાન એ.જિ.ઓડીટના બાકી પેરા, સરકારી લેણાની બાકી રકમ, બાકી તુમારો, નાગરિક અધિકાર પત્રની બાકી અરજીઓ, પેન્શન કેસો, વીજળીકરણ અંગેની બાકી અરજીઓ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કંડમ કરવાપાત્ર વાહનો, માહિતી અધિકાર હેઠળની અરજીઓ જેવા સમિતિના નિયમિત મુદ્દાઓની ચર્ચા વિચારના હાથ ધરવામા આવી હતી.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા જિલ્લા સેવા સદનના સભાખંડમા યોજાયેલી “જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ” ની આ બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, અધિક કલેકટર શ્રી કે.જિ.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. સંજય શાહ, સિવિલ સર્જનશ્રી ડો. રશ્મીકાંત કોકણી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. બર્થા પટેલ, જિલ્લાના કાર્યપાલક ઈજનેરો સહીત જિલ્લા કક્ષાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે સંભાળી હતી.

Share this Article
Leave a comment