આહવા: તા: ૨૧: સો ટકા ઓર્ગેનિક ખેત ઉત્પાદન માટે સંકલ્પબદ્ધ ડાંગ જિલ્લામા, કૃષિ સુધાર અને ખેત પેદાશો માટેની બજાર સમસ્યાના કાયમી સમાધાન સાથે, ડાંગની પોતિકી વિવિધ પેદાશો જેવી કે નાગલી, વરઇ, અને ડાંગરની દેશી જાતો વિગેરેની પોતાની એક વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરવાના આશ્રય સાથે, ડાંગ જિલ્લાની મહિલા ખેડૂતોની એક મજબૂત સંસ્થાનુ ગઠન કરી, ડાંગની મહિલાઓને ‘આત્મ નિર્ભર’ બનાવવાનુ અભિયાન શરૂ થઈ ચૂક્યુ છે.
ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લીમીટેડ નામની આ સંસ્થા, ડાંગના નાના અને સીમાંત ખેડૂતોની એક સંસ્થા બનાવીને ખેડૂતોને લાગતી કૃષિ અને સંલગ્ન તમામ સમસ્યાઓના હલ શોંધશે. ખેડૂતોને કૃષિ સંસાધનો સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમના કૃષિ ઉત્પાદનો માટે આદર્શ બજાર વ્યવસ્થાના માર્કેટિંગના પ્રશ્નોનુ પણ અહી સમાધાન શોંધાશે. સાથે ખેડૂતોના ખેતરો સુધી નવીનતમ ટેક્નોલોજી પહોંચાડીને કૃષિ કાર્યને સરળ બનાવવા ઉપરાંત, મહિલા ખેડૂતો ઉપરનુ ભારણ ઘટાડી, તેમના સમય અને નાણાની બચતનો પણ ધ્યેય નક્કી કરાયો છે.
જરૂરિયાતમંદ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડીને સરવાળે મહિલા ખેડૂતોને સક્ષમ બનાવવાના ઉદ્દેશની પૂર્તિ માટે આ સંગઠન કાયમી કરાયુ છે.
તાજેતરમા ડાંગ સ્વરાજ આશ્રમ આહવાના ટીમ્બર હૉલ ખાતે આ કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમા ડાંગ જિલ્લાના ૪૩ ગામોની ૩૫૧ જેટલી ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
દરમિયાન નિયત એજન્ડા મુજબની વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે નવા પાંચ ડિરેક્ટરોની નિમણુંક પણ કરવામા આવી હતી. જેમા નડગખાદીના કલ્પના ગાયકવાડ સહિત જિલ્લાના સીતાબેન, કલાવતીબેન, સોમીબેન, અને નિર્મળાબેનનો સમાવેશ કરાયો હતો.
આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત ગઠીત આ કંપનીની સાધારણ સભામા સંસ્થાના એરિયા મેનેજર શ્રી રામક્રિષ્ણા મહાજન, એગ્રીકલ્ચર મેનેજર શ્રી સાજનભાઇ પ્રજાપતિ, એગ્રીકલ્ચર એક્સપર્ટ શ્રી ધનાલાલ જાટ, શ્રી રવિભાઈ સહિત કંપનીના સી.ઇ.ઓ. શ્રી હસમુખભાઇ પટેલ વિગેરે ઉપસ્થિત રહી ડાંગની મહિલા ખેડૂતોને ‘આત્મ નિર્ભર’ બનાવવાની નેમ સાથે શરૂ કરાયેલી કંપનીનુ વિઝન અને મિશન સ્પષ્ટ કર્યુ હતુ.
ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડનુ ગઠન થતા ડાંગની મહિલા ખેડુતો કૃષિમા કાઠુ કાઢશે
Leave a comment
Leave a comment