ડાંગ જિલ્લામા હોળી/ધુળેટીની ઉજવણી અંગે જાહેરનામુ :
-श
આહવા: તા: ૨૭: ડાંગ જિલ્લામા હોળી, ધુળેટીના તહેવારોની ઉજવણી તા.૨૮/૨૯ માર્ચના રોજ કરવામા આવનાર છે.
સામાન્ય રીતે આ તહેવારની ઉજવણી દરમિયાન લોકો પરસ્પર અબિલ, ગુલાલ સહિત જુદા જુદા રંગો નાંખી આ પર્વ ઉત્સાહથી ઉજવની કરતા હોય છે. સબબ, પ્રશાસનના ધ્યાને આવેલ છે કે, ધુળેટીના દિવસે અમૂક લોકો દ્વારા ઝટપટ પાવડર જેવા કેમીકલ્સનો પણ છૂટથી ઉપયોગ કરવામા આવે છે. આ અને આવા અન્ય પાવડરમા સમાવિષ્ટ ઝેરી કેમીકલ્સ, તથા અન્ય કેમીકલ્સથી સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થાય છે.
ઉપરાંત આ તહેવારની ઉજવણીના ભાગરૂપે જાહેર રસ્તાઓ પર ધુળેટીનો પર્વ ઉજવવાથી ટ્રાફીકને પણ અડચણ થતી હોય છે. જેથી ધુળેટીનાં દિવસે ઝટપટ પાવડર જેવા શરીરને નુકશાન કરતા કેમીકલ્સનો ઉપયોગ કરવા, તથા જાહેર રસ્તાઓ પર ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.
આ ઉપરાંત કેટલાક લોકો ઉપર બળજબરી પૂર્વક રંગ તથા કીચડ છાંટવામાં આવે છે. જેને કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે. જે નિવારવુ પણ આવશ્યક છે. સાથે જાહેર રસ્તા ઉપર જતા-આવતા વાહનોના ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવી બિનજરૂરી કનડગત થતી હોવાની બાબતો ધ્યાને લેતા તેના ઉપર પણ પ્રતિબંધ મુકવો જરૂરી છે.
ઉક્ત બાબતો ધ્યાને લેતા ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે, જે મુજબ
(૧) ડાંગ જિલ્લામા ધુળેટી દરમ્યાન ઝટપટ પાવડર જેવા શરીરને નુકશાન કરતા કેમીકલ્સ ધરાવતા રંગોનો ઉપયોગ
કરવા, તથા જાહેર રસ્તા-માર્ગો પર ધુળેટી રમવા, અને જાહેર જનતા પર બળજબરીપૂર્વક રંગ તથા કીચડ છાંટવા સહિત જાહેર રસ્તા ઉપર જતા આવતા વાહનોના ચાલકો પાસેથી ફગવા/ફાગના નામે પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
(૨) આ સાથે સાંપ્રત “કોરોના સંક્રમણ” ની પરિસ્થિતિ ધ્યાને લેતા રાજ્ય સરકારના ગૃહ વિભાગની તા. ૨૪/૩/૨૦૨૧ની માર્ગદર્શિકા અનુસાર પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે, તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત ન થાય, તથા કોરોના સંબંધમાં પ્રર્વતમાન ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.
(૩) ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી, અને સામૂહિક કાર્યક્રમો યોજી શકાશે નહી તેમ પણ આ જાહેરનામામા જણાવાયુ છે.
ડાંગ જિલ્લાના સમગ્ર વિરતારમાં લાગુ આ પ્રતિબંધિત હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
–