આહવા : તા: ૩: ‘કોરોના’ કાળમા રાજ્ય અને કેન્દ્ર સરકારે ખુબ જ સંવેદનશીલતા સાથે પ્રજાજનોની આંતરડી ઠારવાનુ કાર્ય કરીને પ્રજાજનોના આશીર્વાદ મેળવ્યા છે, તેમ જણાવતા આહવા ખાતે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અન્કોલીયાએ પ્રજાવત્સલ રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો. કોરોના અને લોકડાઉનને કારણે કપરી પરિસ્થિતિ વચ્ચે ખડેપગે રહીને રાજ્ય અને કેન્દ્ર સરકારે આદરેલા પ્રજા કલ્યાણના કાર્યોમા સરકારના તમામ વિભાગોના અધિકારી, કર્મચારીઓ, અને સેવાભાવી સ્વયંસેવકો એ પ્રજાહિતના કાર્યો કરીને આ આપદાનો સામનો કર્યો છે, તેમ જણાવતા શ્રીમતી અન્કોલીયાએ સરકારના સેવાયજ્ઞ ની વિસ્તૃત જાણકારી પૂરી પડી હતી.
‘કોરોના કાળ’મા પોતાને થયેલા સ્વાનુભાવો વર્ણવતા મહિલા આયોગના ચેરપર્સને રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિકાસકાર્યોની ઝાંખી કરાવી ‘સુશાસન ના પાંચ વર્ષ’ જનસેવાના કાર્યોના આ સેવાયજ્ઞની જાણકારી આપી, રાજ્યમા મહિલાઓની સુરક્ષા માટે સેવારત મહિલા આયોગની પ્રવૃત્તિઓનો પણ ખ્યાલ આપ્યો હતો. શ્રીમતી લીલાબેન અન્કોલીયાએ આ વેળા ડાંગના પ્રજાજનોને ‘કોરોના’ વિરોધી રસી લઈને પોતાને તથા પોતાના પરિવારોને સુરક્ષિત કરવાનુ આહ્વાન કર્યું હતુ. ગુજરાતની મહિલાઓના સશક્તિકરણ માટે સરકારની સાથે રાજ્યની અગ્રણી મહિલાઓ, કાર્યકરો પણ આગળ આવે તે આવશ્યક છે તેવી અપીલ કરતા તેમણે મહિલાઓને ‘આત્મનિર્ભર’ બનાવતા કાર્યોની પણ જાણકારી આપી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રજા કલ્યાણના સેવાયજ્ઞ ને કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમા આવેલા સામાજિક અને માનસિક બદલાવનો ખ્યાલ આપી ચેરમેનશ્રીએ સામાજિક બદલાવ માટે સૌને સાથે મળીને, વિકાસની રાહ ઉપર આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
ડાંગ જેવા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના સો ટકા લાભાર્થીઓને ‘કોરોના’ ના કપરા કાળમા ઘરબેઠા વિનામૂલ્યે અનાજ પહોંચાડીને સંવેદનશીલતા દાખવનારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સમગ્ર પ્રજાજનો વતી ઋણ સ્વીકાર કરતા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવારે, પ્રજા વત્સલ સરકારે દરેક પ્રજજ્નની ચિંતા કરીને તેમના જઠરાગ્નીને ઠારી છે, તેમ પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યુ હતુ.કાર્યક્રમની રૂપરેખા આપતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ જિલ્લામા ચાલી રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની જાણકારી પૂરી પાડી હતી.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા તા.૧લી એપ્રિલ, ૨૦૧૬થી સમગ્ર રાજ્યમા ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩’ નુ અમલીકરણ કરવામા આવી રહ્યુ છે. જેમા (૧) અંત્યોદય અન્ન યોજનાના તમામ લાભાર્થીઓ (AAY કાર્ડ ધારકો), અને (૨) અગ્રતા ધરાવતા કુટુંબો (PHH કાર્ડ ધારકો)ને લાભ આપવામા આવી રહ્યો છે. ગુજરાત રાજ્યનો કોઈ પણ નાગરિક ભોજન વિના ન રહે, અને દરેક નાગરિકની અન્ન સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્યની સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર કટિબદ્ધ છે. આ યોજના હેઠળ ‘અંત્યોદય અન્ન યોજના’ અંતર્ગત કાર્ડ દીઠ ૨૫ કિલો ઘઉં (બે રૂપિયે પ્રતિ કિલો), અને ૧૦ કિલો ચોખા (ત્રણ રૂપિયે પ્રતિ કિલો) મળીને કુલ ૩૫ કિલોગ્રામ અનાજ આપવામા આવે છે. જયારે ‘અગ્રતા ધરાવતા કુટુંબો’ ને દર માસે વ્યક્તિગત ૩.૫ કિલોગ્રામ ઘઉં (બે રૂપિયે પ્રતિ કિલો), અને ૧.૫ કિલોગ્રામ ચોખા (ત્રણ રૂપિયે પ્રતિ કિલો)ના ભાવે પૂરુ પાડવામા
આવે છે.
ગત વર્ષે ‘કોરોના કાળ’ દરમિયાન લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકો તથા નોન એન.એફ.એસ.એ., બી.પી.એલ. કાર્ડ ધારકો, તથા શ્રમ અને રોજગાર વિભાગમા નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓને પ્રતિ કુટુંબ રૂ.૧૦૦૦ લાભાર્થીના બેંક ખાતામા જમા કરવામા આવ્યા હતા. મળવાપાત્ર રાહત દરના નિયમિત રાશન ઉપરાંત સને ૨૦૨૦/૨૧ દરમિયાન ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ફેસ-૧ હેઠળ માહે એપ્રિલ, મે, અને જુન-૨૦૨૦ થી નવેમ્બર-૨૦૨૦ દરમિયાન પ્રતિ માસ વ્યક્તિદીઠ ૩.૫ કોલોગ્રામ ઘઉં, અને ૧.૫ કિલોગ્રામ ચોખા મળી કુલ-૫ કિલોગ્રામ અનાજ તેમજ કુટુંબ દીઠ ૧ કોલોગ્રામ ચણાદાળનુ વિનામૂલ્યે વિતરણ કરાયુ હતુ. ચાલુ વર્ષ ૨૦૨૧/૨૨ દરમિયાન ‘કોરોનાની બીજી લહેર’ ને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને કારણે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ફેસ-૩ હેઠળ માહે મે, અને જુન ૨૦૨૧ એમ બે માસ માટે ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩’ હેઠળ સમાવેશ થયેલ હોય તેવા રેશનકાર્ડ ધારકોને રાહત દરે મળવાપાત્ર અનાજ ઉપરાંત ગત વર્ષની જેમ કુલ પાંચ કિલોગ્રામ અનાજનો વધારાનો જથ્થો વિનામૂલ્યે આપવામા આવ્યો છે. સંવેદનશીલ સરકારે આ યોજના લંબાવતા હવે ફેસ-૪ હેઠળ નવેમ્બર, ૨૦૨૧ સુધી આ યોજનાનો લાભ આપવાનુ નક્કી કર્યું છે.
ડાંગ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના કુલ ૩૭,૯૯૨ રેશનકાર્ડ ધારકોને ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩’ હેઠળ સમાવેશ કરાયેલા લાભાર્થીઓને લોક્ડાઉન દરમિયાન ‘મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ’ અંતર્ગત પ્રતિ કુટુંબદીઠ રૂ.૧૦૦૦ ડી.બી.ટી. દ્વારા ચુકવવામા આવ્યા છે. તો લોકડાઉન દરમિયાન ફસાયેલા પરપ્રાંતીય, રેશનકાર્ડ ન ધરાવતા હોય તેવી વ્યક્તિઓ, શ્રમયોગી, બાંધકામ શ્રમિકો એવા ૧૨૦૯ લાભાર્થીઓને ‘અન્ન બ્રહ્મ યોજના’હેઠળ વિનામૂલ્યે ‘ફૂડ બાસ્કેટ’નુ વિતરણ કરાયુ હતુ. ‘કોરોના કાળ’ મા ડાંગ જિલ્લામા માતાપિતાની છત્રછાયા ગુમાવનારા ૧૨ જેટલા અનાથ બાળકોના પાલક માતાપિતાના રેશનકાર્ડ ને ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩’ હેઠળ સમાવેશ કરીને લાભ પૂરો પાડવામા આવ્યો છે. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, અને મહાનુભાવોના પુસ્તક અને રૂમાલથી સ્વાગત સાથે શરુ થયેલા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીતે કર્યું હતુ. અંતે આભારવિધિ … એ આટોપી હતી. કાર્યક્રમ દરમિયાન પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે રાશન કીટનુ વિતરણ કરાયુ હતુ. આ અવસરે દાહોદ ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમા ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, તથા દિલ્હીથી વર્ચ્યુલ રીતે જોડાયેલા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ સૌ ડાંગવાસીઓએ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી નિહાળ્યુ હતુ. આહવા ખાતે યોજાયેલા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ના આ કાર્યક્રમમા ડાંગ જિલ્લાના પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નિલમ ચૌધરી, આહવા તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કમળાબેન રાઉત, આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત સહીત જુદા જુદા પદાધિકારીઓ, હોદ્દેદારો, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, મામલતદાર શ્રી ધવલ સંગાડા સહિતના અધિકારીઓ. લાભાર્થીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રતિક પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.