ડાંગ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલ ;
આહવા: તા: ૨૦: પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતીની ગરિમાને અનુરૂપ પરિણામલક્ષી કામગીરીની હિમાયત કરતા ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલે સો ટકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા પ્રવૃત્ત કરવાના લક્ષ સાથે, કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.ડાંગ જિલ્લાના જુદા જુદા વિભાગોના ઉચ્ચાધિકારીઓની એક બેઠકને સંબોધતા આદિજાતી વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે, પ્રાકૃતિક ખેતીના લાંબા ગાળાના ફાયદાઓની સમજ સાથે, તમામે તમામ ખેડૂતો તેમા જોડાઈ તેવા વાતાવરણનુ નિર્માણ કરવા સાથે, ચોમાસા આધારિત ખેતી ઉપરાંત રવિ પાકમા પણ ડાંગના ખેડૂતોને ખેતી અર્થે પૂરતુ પાણી મળી રહે તે માટે, મધ્યમ કદના ડેમ બનાવી, વહી જતા વરસાદી નીરને રોકીને તેનો સદુપયોગ કરવાની દિશામા પણ, કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.
મંત્રીશ્રી પાણીના અભાવે વિકાસથી વંચિત રહી જતા પ્રજાજનોની ભાવિ પેઢી માટે જળસંચય એ ખૂબ જ જરૂરી છે તેમ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ.
‘નલ સે જલ’ યોજનાના અસરકારક અમલીકરણ થકી પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ કરવાની હિમાયત કરતા મંત્રીશ્રી, ચોમાસામા ભારે વરસાદને કારણે જાહેર માર્ગોને થયેલા નુકશાન સાથે સત્વરે દુરસ્તી કામ હાથ ધરવાની સુચના આપી હતી.
મંત્રી શ્રી નરેશભાઇ પટેલે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસી બસોને પ્રવેશવા બાબતે સ્થિતિની સમીક્ષા બાદ, ખાનગી તથા સરકારી મિનિબસો હવેથી સાવચેતીપૂર્વક ગિરિમથક સુધી પ્રવાસીઓને લાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે તેમ જણાવ્યુ હતુ.
સ્થાનિક રોજગારી અને સ્થળાંતરને અટકાવવા માટે પ્રયાસરત જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયાસોમા સૌને સહયોગી થવાની હાંકલ સાથે,પ્રભારી મંત્રીશ્રી ચોમાસામા જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસોની સરાહના કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–