આહવા: તા: ૬: રાજ્યના તમામ ક્ષેત્રોના વિકાસ સાથે પ્રજાજનોની સુખાકારી માટે હમેશા ચિંતિતિ રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનને કારણે આજે ગુજરાત દેશમા અનેક ક્ષેત્રે મોખરે છે, ત્યારે યુવાશક્તિની વ્યાપક ક્ષમતા ધરાવતા રાજ્યના યુવાનો અન્યો માટે પ્રોત્સાહક બને તેવી અપીલ કરતા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, સરકારે ઉપલબ્ધ કરાવેલી વિપુલ તકોનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
નિમણુક મેળવનારા ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા ધારાસભ્યશ્રીએ ડાંગ જિલ્લામા રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા ચાલી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી મેળાઓ માટેના તાલીમ વર્ગોમા ભાગ લેવા માટેનો અનુરોધ કરીને, ડાંગ જિલ્લાના રોજગારવાંછુઓને ઘરઆંગણે જ રોજગારી મળી રહે તેવા કાયમી પ્રયાસો માટે રાજ્ય સરકાર, અને જિલ્લા વહીવટી તંત્ર સતત ચિંતા કરી રહ્યા છે, તેમ જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતી, પશુપાલન સહીત અહીના વન પર્યાવરણની જાળવણી સાથે ડાંગ જિલ્લામા ઘર આંગણે જ રોજગારી, સ્વરોજગારી મળી રહે તેવા હાથ ધરાયેલા સાનુકુળ પ્રયાસોની જાણકારી આપતા શ્રી વિજયભાઈ પટેલે વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ભરતી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમા આવેલા બદલાવનો ખ્યાલ આપીને, પારદર્શી વહીવટને કારણે વધેલી સ્પર્ધાત્મકતા સામે સખત પરિશ્રમ કરવાની પણ હિમાયત કરી હતી.આગામી સમયમા રાજ્યમા ઉપલબ્ધ થનારી વિપુલ રોજગારીની તકોનો લાભ લેવા માટે સક્ષમ બનવાનો અનુરોધ કરતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લામા છેલ્લા પાંચ વર્ષોમા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર પણ આપ્યો હતો.
વિકાસને વરેલી રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષના સેવાયજ્ઞનો ખ્યાલ આપતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે તેમના પ્રાસંગિક વક્તવ્યમા યુવાઓ અને તેમની રોજગારી માટે ચિંતિતિ રાજ્ય સરકાર અનેકવિધ માધ્યમો દ્વારા યુવાઓ સુધી પહોંચી, પાત્રતા ધરાવતા ઉમેદવારોને રોજગારી પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે ટેકનોલોજીના આ સાંપ્રત સમયમા તકનીકી મર્યાદાઓ ધ્યાને લઈને છેવાડાના જરૂરિયાતમંદો સુધી પહોંચવાના સામુહિક પ્રયાસોની પણ હિમાયત કરી હતી.’રોજગાર દિવસ’ નિમિત્તે નિમણુક પત્રો મેળવનારા ઉમેદવારોને શુભકામના પાઠવતા ડાંગના અન્ય રોજગારવાંછુ યુવાનોને રોજગારી, સ્વરોજગારી બાબતે સતત જાગૃતિ દાખવી, ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી.ઉલ્લેખનિય છે કે, આજના ‘રોજગાર દિવસ’ નિમિત્તે ડાંગ જિલ્લામા આ અગાઉ યોજાયેલા જુદા જુદા ભરતી મેળાઓમા ખાનગી ક્ષેત્રોમા પસંદગી પામેલા ૮૨ ઉમેદવારો સહીત, સરકારી કોલેજોના ભરતી મેળામા પસંદગી પામેલા ૧૦ ઉમેદવારો, એપ્રેન્ટીસશીપ યોજના હેઠળના ૭ એપ્રેન્ટીસ, ઉપરાંત ૧૪ શિક્ષણ સહાયકો, ૧ મદદનીશ ઈજનેર, ૧ ખેતીવાડી અધિકારી, અને ૮૯ જેટલા મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકો, રસોઈયા, તથા મદદનીશની જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારો મળી કુલ ૨૦૪ ઉમેદવારોને નિમણુક પત્રો એનાયત કરાયા હતા.રોજગારવાંછુ ઉમેદવારોની નામ નોંધણી, ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની ભલામણ, કારકિર્દી માર્ગદર્શન, સહીત કાઉન્સેલિંગ જેવી અગત્યની સેવાઓ સાથે ડાંગ જિલ્લા રોજગાર કચેરી પ્રજાજનોની સેવામા કાર્યરત છે. આ કચેરી દ્વારા ડાંગના ઉમેદવારો માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સને ૨૦૧૬/૧૭ થી સને ૨૦૨૧/૨૨ દરમિયાન કુલ ૧૩૨ ભરતી મેળાઓ યોજવામા આવ્યા હતા. જેમા ઉપસ્થિત રહેલા ૧૯૨ નોકરીદાતાઓ દ્વારા ૭૮૭૭ ઉમેદવારોને પસંદ કરી રોજગારી ક્ષેત્રે પ્રવૃત કરવામા આવ્યા છે. તા.૧લી ઓગસ્ટ, ૨૦૨૧ ની સ્થિતિએ આ કચેરી ખાતે ૨૭૫૬ રોજગારવાંછુ ઉમેદવારો નોંધાયેલા છે.
આ ઉપરાંત સને ૨૦૧૬ થી સને ૨૦૧૯ દરમિયાન આયોજિત ૭ જેટલા લશ્કર/અર્ધ લશ્કરી દળો માટેના ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગોમા તાલીમ મેળવીને, લશ્કરી ભરતી મેળામા કુલ ૧૪ ઉમેદવારોની પસંદગી થતા તેઓ આજે ભારતીય લશ્કરી દળમા સેવા આપી રહ્યા છે. ઉમેદવારોનુ કાઉન્સેલિંગ, વ્યક્તિગત માર્ગદર્શન, જૂથવાર્તા, જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમા વાર્તાલાપ, સ્વરોજગાર શિબિરો, ઉપરાંત ‘કોરોના કાળ’ દરમિયાન ઓનલાઈન વેબિનાર ના માધ્યમથી પણ સેંકડો ઉમેદવારોને માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ છે. કાર્યક્રમની શરૂઆતે આહવા આઈ.ટી.આઈ.આચાર્યશ્રીએ કર્યો હતો, જયારે આભારવિધિ જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે એ આટોપી હતી. કાર્યક્રમ દરમિયાન ડાંગના રોજગારવાંછુ ઉમેદવારોને જો કોઈ મદદની જરૂરિયાત હોય તો, પોલીસ વિભાગ હમેશા તેમને મદદરૂપ થશે તેવી જાહેરાત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કરવામા આવી હતી. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ‘સુશાસન ના પાંચ વર્ષ’ જનસેવાના કાર્યોના સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે યોજાયેલા ‘રોજગાર દિવસ’ કાર્યક્રમ પ્રસંગે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીતી કમળાબેન રાઉત, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ, આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી દીપક પિમ્પલે, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, મહામંત્રી શ્રી હરિરામ સાવંત જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડયા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, હોદ્દેદારો, અને નિમણુક પામનાર ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આયોજન, વ્યવસ્થા જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે તથા તેમની ટીમે સંભાળી હતી. મહાનુભાવો તથા ઉપસ્થિત લાભાર્થીઓએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામા સુરત ખાતે યોજાયેલા ‘રોજગાર દિવસ’ના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ નિહાળ્યુ હતુ.