; તા; ૨૨; ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતા “આશા” અને “આશા ફેસીલીટેટર” ને યથોચિત સન્માન મળી રહે તેવા આશય સાથે ડાંગ જિલ્લાના આહવા તાલુકાનુ “આશા સંમેલન” તાજેતરમા આહવા ખાતેના ડાંગ દરબાર હોલ ખાતે યોજાઈ ગયુ.
આહવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત સહીત ઉપપ્રમુખ શ્રી દેવરામભાઈ જાદવ, કારોબારી ચેરમેન શ્રીમતી વનિતાબેન પવાર, સદસ્ય શ્રી સુરેશભાઈ ચૌધરી સહીતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલા આ “આશા સંમેલન” દરમિયાન તાલુકાની કુલ ૧૨ આશા, ત્રણ આશા ફેસીલીટેટર, ઉપરાંત ત્રણ જેટલી આશા/આશા ફેસીલીટેટર કે જેમણે “કોવિદ-૧૯” મા શ્રેષ્ઠ કામગીરી કરી છે, તેમનુ મહાનુભાવોના હસ્તે જાહેર સન્માન, અભિવાદન કરાયુ હતુ.
આરોગ્યલક્ષી કૌશલ્યવર્ધન તાલીમ સહીત યોજાયેલા આ “સંમેલન”મા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પૌલ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.દિલીપ શર્મા સહીત ડો.પ્રિયંકા પટેલ, ડો.ઈર્શાદ વાણી, તથા તાલુકા/જિલ્લાના આરોગ્ય કર્મચારી/અધિકારીઓએ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કર્યા હતા. આ સંમેલનમા આહવા તાલુકાના સાપુતારા, ગલકુંડ, ગાઢવી, અને પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની “આશા” અને “આશા ફેસીલીટેટર” ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન “કોવિદ-૧૯” દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પિંપરી ની “આશા ફેસીલીટેટર” ચંદ્રકલા પાટીલ, સાપુતારાની યશોદા ગાવિત, અને ગાઢવીની ભાવના દેશમુખને અનુક્રમે પ્રથમ, દ્વિતીય, અને તૃતીય પારિતોષિક એનાયત કરાયુ હતુ.
કાર્યક્રમ દરમિયાન સાપુતારા, ગલકુંડ, ગાઢવી, અને પિંપરીની ત્રણ ત્રણ “આશા” ઓને પુરસ્કૃત કરવા સાથે પિંપરીની આશા ફેસીલીટેટર વર્ષા ભોયે, ગાઢવીની મંજુલા ઠાકરે, અને સાપુતારાની બસંતી ભોયેનું પણ યથોચિત સન્માન કરવામા આવ્યુ હતુ.
–