સાગર પરિક્રમા- ૨૦૨૨ ‘ક્રાંતિ સે શાંતિ-દ્વિતીય ચરણ
મત્સ્યપાલન કરતા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સાધન સહાય અને લાભોનું વિતરણ કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૨ થી ૨૫ સપ્ટે. દરમિયાન ‘સાગર પરિક્રમા-૨૦૨૨’નું આયોજન
——-
સુરત:શુક્રવાર: ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપી આર્થિક તકોનો લાભ મેળવવા, ગુજરાતના માછીમારોના સર્વાંગી વિકાસ તેમજ કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારની મત્સ્યોદ્યોગ સંબંધિત કલ્યાણકારી યોજના અંગે માહિતી આપવા તેમજ લાભો માછીમારોને હાથોહાથ પહોંચાડવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના નેતૃત્વમાં ‘ક્રાંતિ સે શાંતિ’ થીમ પર ‘સાગર પરિક્રમા-૨૦૨૨’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના માંગરોળથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરી વેરાવળ, દીવ, જાફરાબાદ,પીપાવાવ, હજીરા, દમણ અને ઉમરગામ સુધી પરિક્રમા યોજાશે.
તા.૨૫મીએ સુરતના હજીરા પોર્ટ પર સવારે ૮.૩૦ વાગ્યે સાગર પરિક્રમા કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદથી બોટ આવી પહોંચશે. જેના ભાગરૂપે હજીરા પાસે ભટલાઈ ગામે મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રીઓ સર્વશ્રી ડૉ. સંજીવકુમાર બાલિયાન અને ડૉ.એલ. મુરૂગન, રાજ્યકક્ષા મંત્રી મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી, સુચના અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર), કેન્દ્રીય રેલ્વે અને વસ્ત્ર રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠો, કલ્પસર અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, વાહનવ્યવહાર, યાત્રાધામ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, કૃષિ, ઉર્જા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલ, કેન્દ્રીય મત્સ્યપાલન વિભાગના સચિવશ્રી જે.એન. સ્વેન અને સંયુક્ત સચિવ જે. બાલાજી, રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના સચિવશ્રી કે.એમ. ભીમજીયાણી, ગાંધીનગરના મત્સ્યોદ્યોગ નિયામકશ્રી શ્રી નિતીન સાંગવાન ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કેસીસી માછીમારી, એક્વાકલ્ચર, ફિશ પ્રોસેસિંગ, એક્વા ટુરિઝમ, શિપિંગ અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ અને સરકારની અન્ય યોજનાઓ પર માર્ગદર્શન આપશે. ચીફ એક્ઝિક્યુટીવ, NFDB ડૉ. સી. સુવર્ણા દ્વારા સાગર પરિક્રમાનો પરિચય આપવામાં આવશે. મંત્રીગણ દ્વારા સુરત જિલ્લાના મત્સ્યોદ્યોગના પાંચ લાભાર્થીઓને પ્રતિકરૂપે સરકારની કલ્યાણકારી યોજના, કિશાન ક્રેડીટ કાર્ડ, PMMSY રેફ્રિજરેટેડ વાન ઘટક તળે કુલ રૂ.૧૮ લાખની સહાય અર્પણ કરાશે. તથા કુલ ૪ લાભાર્થીઓને PMMSY યોજનામાં મોટર સાયકલ વિથ આઈસબોક્ષ ઘટકમાં કુલ રૂ. ૧.૪૦ લાખનો લાભ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના સક્રિય માછીમારો અનુભવ વર્ણવશે. કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા અને અન્ય મહાનુભાવો હજીરા પોર્ટથી દમણ જવા રવાના થશે.
-૦૦-